
અહીંના ગેલેકસી ચોક-પોસ્ટ ઓફિસ રોડ પર બેન્ક એટીએમ તરફ જઇ રહેલાં વિહિપ બજરંગદળના કાર્યકરના બાઇક સાથે ઇ-બાઇક અથડાઇ જતાં નજીવી બાબતે બોલાચાલી થઇ અને મામલો વણસી જતાં બે જૂથના ટોળા ઊમટી પડયાં હતાં. આ વેળા સામ સામે ઢીકા પાટુંનો માર મારવા ઉપરાંત હાથના કડાથી હુમલા થતાં એક જૂથના ચાર અને બીજા જૂથના પાંચને ઇજા થતાં સારવારમાં ખસેડયાં હતા. આ બનાવમાં વિહિપના કાર્યકરને માથામાં ચા બનાવવાનો ડોયો લાગી ગયાનું જણાવાયું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં વિહિપ બજરંગદળના કાર્યકર અર્જુન શૈલેષભાઇ પાલ એટીએમ તરફ બાઇક પર જઇ રહ્યાં હતાં. આ વેળા શહેઝાદનું ઇ-બાઇક અથડાઇ જતાં બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો તંગ થઇ જતાં બન્ને જૂથના ટોળા એકત્ર થઇ ગયા હતા. એ વખતે ઢીકા પાટું અને હાથાપાઇ થઇ હતી. તેમજ એક જૂથના લોકોએ હાથમાં પહેરેલા કડા ફટકાર્યાના આક્ષેપ થયા છે.
આ બનાવના પગલે મોસીનમિયાં ઇબ્રાહીમમિયાં સૈયદ બહારપુરાવાળાએ અર્જુન શૈલેષ પાલ, રાજેશ હરેશભાઇ પાલ, શૈલેષ યોગેશ્વર પાલ તેમજ મનીષ નવીનભાઇ પાલ સહિતના ચાર સામે ઢીકા પાટુંનો માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરી છે. સામે પક્ષે અર્જુન શૈલેષભાઇ પાલે ફન્ટી કાદરી, મોહસીન કલીવાલા, રસીદ રફાઈ તેમજ શબીર ખલીફા મળી કુલ પાચ સામે ઢીકા પાટુંનો માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે. બુધવારે બનેલા બનાવમાં થોડીવાર શહેરમાં તંગદીલી સર્જાઇ ગયા બાદ પરિસ્થિતિ શાંત અને કાબુમાં આવી ગઇ છે.