સંખેડાના આનંદપુરામાં દારૂની કટીંગ સ્થળે રેઈડ કરી રૂ.૧૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ત્રણ ઈસમોને ઝડપ્યા

સંખેડા પોલીસને આનંદપુરા ગામે હરસિદ્ધિ માતાના મંદિર સામે દારૂનું કાર્ટિંગ થવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળેથી ત્રણ લોકોને પકડીને રૂ. 10,01,822નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર જે.યુ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમી મળ્યા બાદ પોલીસ આનંદપુરા-વાઘોડિયા રોડ પર પહોંચી હતી. ત્યાં બે કાર વાઘોડિયા તરફ મોઢું રાખીને ઊભી હતી અને એક વેગનઆર રોડની નીચે ઊભી હતી.

વેગનઆર કાર નંબર GJ06PL0356માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડ અને બિયરની કુલ 1,133 બોટલો મળી હતી. તેની કિંમત રૂ. 3,26,822 આંકવામાં આવી હતી.પોલીસે 3 મોબાઇલ ફોન, જેની કિંમત રૂ. 35,000 હતી, અને ત્રણ વાહનો, જેની કિંમત રૂ. 6,40,000 હતી, કબજે કર્યા હતા. દારૂ, ફોન અને વાહનોની કુલ કિંમત રૂ. 10,01,822 થાય છે.

પકડાયેલા લોકોમાં ખંધા, તા. વાઘોડિયા, જી. વડોદરાના 33 વર્ષના વિષ્ણુભાઈ અર્જુનભાઈ વસાવા, કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક અને કમલાનગર, વાઘોડિયાના 38 વર્ષના અજયભાઈ રમેશભાઈ વસાવાનો સમાવેશ થાય છે.પોલીસે આ કેસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.યુ. ગોહિલ, આ.પો.કો. રાહુલસિંહ ઘનશ્યામસિંહ (બ.નં. 0247) અને આ.પો.કો. મહેશભાઈ બાબુભાઈ (બ.નં. 0273) સામેલ હતા.