પાવી જેતપુરના અણિયાદ્રી ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રોકડ અને ધરવખરી બળીને ખાખ

પાવી જેતપુર તાલુકાના અણિયાદ્રી ગામમાં મધરાત્રે એક મકાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં ઘરવખરી, રોકડ રકમ, દસ્તાવેજો અને અનાજ સહિતનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનામાં પરિવાર બેઘર બન્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

અણિયાદ્રી ગામના કઠામ ફળિયામાં રહેતા ભીમસિંગભાઈ મોહનભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે રાત્રે સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના આશરે ૧.૨૦ વાગ્યાના સુમારે તેમના મકાનમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ પરિવારજનો ઘરની બહાર નીકળી ગયા હતા.

પરિવારજનોની બુમાબુમ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વ‚પ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આખા મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.

આ આગમાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી, સામાન, સોના-ચાંદીના ઘરેણાં, રોકડ રકમ રૂ. 1,50,000/-, અગત્યના દસ્તાવેજો, અનાજ અને ઘાસચારો બળીને ખાક થઈ ગયા હતા.

આસપાસના લોકોએ છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આખું ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. આ ઘટનાને કારણે રાઠવા પરિવાર રાતોરાત બેઘર બન્યો છે.