પંચમહાલ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી જામેલા રીમઝીમ વરસાદી માહોલથી ડાંગરના વાવેતરમાં ૧૫ હજાર હેકટરનો મોટો ઉછાળો આવ્યો છે. સતત બેઠા વરસાદના કારણે વાવેતર ૨૦ હજારની વધીને ૩૫ હજાર હેકટરે પહોંચતા ખેડુતોમાં આનંદ છવાયો છે. સોમવારે સાર્વત્રિક વરસાદ સાથે સીઝનનો કુલ ૪૮ ટકા વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષ(૫૮ ટકા)કરતા ૧૦ ટકા ઓછો છે.ચાર દિવસમાં જ સીઝનનો ૧૫ ટકા વરસાદ પડતા જમીનમાં પુરતો ભેજ અને પાણી મળવાથી અટકેલી રોપણી ઝડપણી પુર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ ૧.૭૧ લાખ હેકટર ખેતીલાયક જમીનમાંથી ૭૫ ટકા (૧.૩૭ લાખ હેકટર)વિસ્તારમાં રોપણી પુર્ણ થઈ ગઈ છે. જેમાં સોૈથી વધુ ૫૨ હજાર હેકટરમાં મકાઈનુ વાવેતર થયુ છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ડાંગરનુ વાવેતર ફકત ૨૦ હજાર હેકટરમાં થયુ હતુ. પણ છેલ્લા ચાર દિવસથી ડાંગરને માફક આવે તેવો વરસાદ વરસતા જિલ્લામાં ૨૭મી જુલાઈ સુધી ૧૫ હજાર હેકટરનો વધારો થતાં જિલ્લામાં ડાંગરનુ વાવેતર ૩૫ હજાર હેકટરમાં થયુ છે. જેમાં સોૈથી વધુ ડાંગરનુ વાવેતર ગોધરા, શહેરા અને મોરવા(હ)તાલુકામાં થયુ છે.
જિલ્લામાં સોૈથી વધુ ૫૨ હજાર હેકટરમાં મકાઈનુ વાવેતર કરવામાં આવ્યુ છે. ૨૭મી સુધી જિલ્લાના કુલ વાવેતર વિસ્તારના અંદાજે ૭૫ ટકા વિસ્તારમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, શાકભાજી, ધાસચારો સહિત અન્ય પાકની રોપણી પુર્ણ થઈ ગઈ છે. સોમવાર સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીમાં શહેરા ૨૧ મી.મી., મોરવા(હ)૧૫ મી.મી., ગોધરા ૧૭ મી.મી., કાલોલ ૧૮ મી.મી.ઘોઘંબા ૧૬ મી.મી., તથા હાલોલ ૯ મી.મી.જેટલો વરસાદ નોંધાયો છે.