મહિસાગર ખરીફ વાવેતરમાં ૧૩.૩૯૫ હેકટરનો ધટાડો

મહિસાગર જિલ્લામાં ચાલુ વર્ષે અનિયમિત અને ઓછા વરસાદના કારણે જિલ્લામાં ચાલુ વર્ષે અપેક્ષિત વાવેતરના લક્ષ્યાંક સામે નોંધપાત્ર ધટાડો નોંધાયો છે. મહિસાગર જિલ્લામાં ગત વર્ષે કુલ ૮૮,૫૫૭ હેકટર જમીનમાં વિવિધ ખરીફ પાકોનુ વાવેતર થયુ હતુ. જોકે ચાલુ વર્ષે મેઘરાજાની કૃપા અને અનિયમિત વરસાદને કારણે વાવેતર કટીને માત્ર ૭૫,૨૦૨ હેકટર જમીનમાં જ સીમીત રહી ગયુ છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૩,૩૫૫ હેકટર ઓછુ વાવેતર થયુ છે. જેના કારણે આગામી દિવસોમાં ખેડુતોની આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે.

મહિસાગ જિલ્લામાં ૨૭ જુલાઈ-૨૦૨૬ ના દિવસ સુધી ૪૬ ટકા વરસાદ પડ્યો છે. ઓછા વરસાદથી ડાંગરના વાવેતરમાં ધટાડો થયો છે. ગત વર્ષના ૨૭ જુલાઈ સુધી ૬૨ ટકા વરસાદ સામે ચાલુ વર્ષે ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ડાંગરનુ વાવેતર ગત વર્ષની સરખામણીએ ૫,૧૧૦ ઓછુ છે. ગત વર્ષે જિલ્લામાં ૨૮,૩૮૫ હેકટરમાં વાવેતર થયુ હતુ. આ વર્ષે સમગ્ર જિલ્લામાં ૨૩,૨૭૫ હેકટરમાં વાવેતર થયુ છે. ડાંગરની વાવણી માટે સંતરામપુર અને કડાણા તાલુકાઓ મોખરે રહ્યા છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૧૯,૯૩૧ હેકટરમાં મકાઈની ખેતી કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા ૩,૦૬૯ હેકટર ઓછી છે. જિલ્લામાં સોયાબીનની ૬,૬૧૧ હેકટર અને કપાસની ૫,૬૦૯ હેકટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. આમ અનિયમિત અને અલ્પવૃષ્ટિના કારણે મહિસાગર જિલ્લાના ખેડુતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ આગામી દિવસોમાં ખેતીલાયક સારો વરસાદ પડે તો વાવેતરમાં વધારો થાય તેમ છે.