લીમખેડા બાયપાસ હાઈવે પર મોડીરાતે સિમેન્ટ ભરેલુ ટ્રેલ પલ્ટી જતાં મોટી દુર્ધટના સર્જાતા સહેજમાં ટળી હતી. અકસ્માતમાં ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. જયારે હાઈવે પર સિમેન્ટ વેરાઈ જતાં લાંબા સમય સુધી વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો.
રાજસ્થાનના બાંસવાડાથી સિમેન્ટની થેલીઓ ભરી વડોદરા તરફ જઈ રહેલુ ટ્રેલર લીમખેડા બાયપાસ હાઈવે પર અકસ્માતનો ભોગ બન્યુ હતુ. મળતી માહિતી મુજબ ટ્રેલર ચાલક રમેશકુમાર ડોડિયાર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આગળ ચાલતા અન્ય ટ્રેલર ચાલકે અચાનક શોર્ટબ્રેક મારી હતી. અકસ્માત ટાળવા રમેશકુમારે પણ જોરથી બ્રેક મારતા ભારેખમ ટ્રેલર પરનો કાબુ ગુમાવ્યો હતો. અને વાહન ધડાકાભેર પલ્ટી ખાઈ ગયુ હતુ. અકસ્માતના કારણે ટ્રેલરમાં ભરેલી સિમેન્ટની થેલીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. અનેક થેલીઓ ફાટી જતાં છુટો સિમેન્ટ સમગ્ર માર્ગ પર પથરાઈ ગયો હતો. તેના કારણે ૫સાર થતાં વાહનોના ટાયરથી હવામાં સિમેન્ટની ડમરીઓ ઉડવા લાગી હતી. જેથી દ્રશ્યતા ધટી ગઈ હતી. અને વાહનચાલકોને શ્ર્વાસ લેવામાં તેમજ આંખોમાં બળતરા થવાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ટ્રેલરના ચાલક રમેશકુમાર ડોડિયાર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ધટનામાં કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્ર્વાસ લીધો હતો.