ગોધરા ભુરાવાવ હંગામી બસ સ્ટેન્ડમાં સમારકામ શરૂ થતાં મુસાફરોને હાલાકી

ભુરાવાવ ખાતે હંગામી બસ સ્ટેન્ડ પરીસરમાં લાંબા સમયથી પડેલા મોટા ખાડાઓના કારણે મુસાફરો અને એસ.ટી.ચાલકો ભારે પરેશાન હતા. આખરે વિભાગ દ્વારા આ ખાડાઓ પુરવા અને પરીસરને દુરસ્ત કરવા માટે આરસીસી કામ હાથ ધર્યુ છે.

ગોધરા ભુરાવાવ હંગામી બસ સ્ટેન્ટ ખાતે બસ સ્ટેન્ડ પરીસરમાં બરાબર પ્લેટફોર્મની નજીક જ આરસીસી રોડ બનાવવામાં કામ ચાલી રહ્યુ છે. કામગીરીને કારણે રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. અને મેટલ તેમજ કોંક્રિટના ઢગલા પડ્યા છે. આ સ્થિતિને કારણે બસોને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં અને બસ સ્ટેન્ડની બહાર નીકળવામાં ભારે કસરત કરવી પડી રહી છે. અવર જવર માટેનો રસ્તો સાંકડો થઈ જતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ગોધરાનુ આ બસ સ્ટેન્ડ અત્યંત વ્યસ્ત ગણાય છે. જયાં દિવસ દરમિયાન લાંબા અને ટુંકા ‚ટની અંદાજિત ૬૦૦ જેટલી એસ.ટી.બસોની અવર જવર રહે છે. સવાર અને સાંઝના સમયે જયારે મુસાફરોનો ધસારો વધુ હોય છે ત્યારે બસોનો ધસારો પણ વધે છે. આવા સમયે પરીસરમાં ચાલી રહેલ કામગીરીને કારણે બસોની લાંબી કતારો લાગે છે. અને ચકકાજામ જેવી સ્થિતિ ઉભી થાય છે. બસો સમયસર પ્લેટફોર્મ પર આવી નહિ શકતા બસોના શિડ્યુલ પર પણ માઠી અસર પડી રહી છે.