
શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર; સમગ્ર વહીવટી તંત્ર, ફાયર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ પર
પંચમહાલ,ગુરુવાર હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન પંચમહાલ તથા આજુબાજુના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાના તમામ નાગરિકોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
સાવચેતીના પગલારૂપે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. (ITI) તથા આંગણવાડીઓમાં આગામી દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આ રજાના આદેશનું કડક પાલન કરે અને બાળકોને ઘરમાં જ સુરક્ષિત રાખે.
જિલ્લા કલેક્ટરશ્રીએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, કોઈ પણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે.જે અન્વયે જિલ્લા કંટ્રોલ રૂમ તથા તમામ તાલુકા કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરવામાં આવ્યા છે.ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જેવા કે પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, અને પંચાયત વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. વીજળી સંબંધિત સમસ્યાઓ અને પોલ ધરાશાયી થવાના કિસ્સામાં ત્વરિત કામગીરી માટે MGVCL ની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નાગરિકો માટે કલેક્ટરશ્રીની ખાસ અપીલ:
જોખમ ન ખેડવું: પાણી ભરાયેલા રસ્તાઓ કે ઓવરટોપ થતા પુલ પરથી વાહન પસાર કરવાનો કે જવાનો સાહસ બિલકુલ ન કરવું.
સાવચેતી: ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી આગામી ૨૪ કલાક બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને સ્વ-રક્ષણના તમામ સાવચેતીના પગલાં લેવા.