
હાલોલ GIDC ખાતે માત્ર 180 દિવસમાં ઓગળી જાય તેવી ‘કમ્પોસ્ટેબલ કેરી બેગ’ પ્લાન્ટનો પ્રારંભ કરાવતા રાજ્ય વનમંત્રીશ્રી પ્રવિણ માળી
હાલોલ ખાતે વધુ 50 કમ્પોસ્ટેબલ બેગ ઉત્પાદન એકમો શરૂ કરાશે; ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ
પંચમહાલ,ગુરૂવાર કેન્દ્ર અને રાજ્ય સરકારના ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે પંચમહાલ જિલ્લાના હાલોલ જી.આઈ.ડી.સી.ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણ માળી દ્વારા હાલોલ ખાતે પર્યાવરણ અનુકૂળ કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના નવતર પ્લાન્ટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આગામી સમયમાં હાલોલ GIDC માં આવા વધુ 50 જેટલા કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના પ્લાન્ટ શરૂ કરવાની મહત્વની જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારે ૧૫૦ માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણો મૂક્યા છે, ત્યારથી તેના પર્યાવરણીય વિકલ્પો શોધવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તે જ દિશામાં આજે હાલોલ વિસ્તાર ખાતે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્લાસ્ટિક ઉત્પાદકોને (મેન્યુફેક્ચરર્સ) આમંત્રિત કરવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીં ૫૦ થી વધુ પ્લાસ્ટિક ઉત્પાદકોએ સ્વયં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે, જે ખૂબ જ આનંદની વાત છે. આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં જે પણ પ્લાસ્ટિક વપરાશે તે બાયોડિગ્રેડેબલ હશે, જેનાથી પર્યાવરણની જાળવણી થશે અને ગૌમાતાના સ્વાસ્થ્ય રક્ષણમાં પણ મોટો ફાયદો થશે.

મંત્રીશ્રીએ આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હાલોલ આવનારા સમયમાં માત્ર સ્થાનિક ગ્રાહકો (કન્ઝ્યુમર) સુધી જ આ પર્યાવરણમિત્ર પ્લાસ્ટિક પહોંચાડવાનું કામ નહીં કરે, પરંતુ વિદેશોમાં પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની નિકાસ કરતું એક મુખ્ય ‘એક્સપોર્ટ હબ’ બનીને ઊભરશે.”
આ તકે રાજ્ય વનમંત્રી દ્વારા ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પોતાના પ્લાસ્ટિક ઉત્પાદન એકમોને કમ્પોસ્ટેબલ/બાયોડિગ્રેડેબલ કેરી બેગના ઉત્પાદનમાં રૂપાંતરિત (કન્વર્ટ) કરે અને પર્યાવરણ રક્ષણના આ મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનશે

અત્રે ઉલ્લેખનીય છેકે,પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કમ્પોસ્ટેબલ બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના નિયમોનુસાર ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદન પર પ્રતિબંધ છે.
હાલોલ GIDC એ પ્લાસ્ટિક થેલી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથી, સ્થાનિક ઉદ્યોગકારો તેમની હયાત મશીનરીનો જ ઉપયોગ કરીને નવી ટેક્નોલોજી દ્વારા કમ્પોસ્ટેબલ થેલીઓ બનાવી શકે તે માટે આ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શન અને લાઈવ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના ચેરમેન, જિલ્લા અગ્રણી તેમજ હાલોલ GIDC ના પ્લાસ્ટિક ઉત્પાદક એકમોના સંચાલકો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કમ્પોસ્ટેબલ કેરી બેગના મુખ્ય ફાયદાઓપર્યાવરણમિત્ર: આ થેલીઓ જમીનમાં માત્ર ૧૮૦ દિવસમાં જ કુદરતી રીતે ભળી જઈને ખાતર બની જાય છે.આર્થિક રીતે કેળવાય તેવું: કમ્પોસ્ટેબલ કેરી બેગનું ઉત્પાદન પરંપરાગત પ્લાસ્ટિક કેરી બેગ કરતાં ઓછા ખર્ચમાં તૈયાર થાય છે