દાહોદમાં ભારે વરસાદની આગાહીને લઈ કલેક્ટરએ સ્થિતિની સમીક્ષા કરી

દાહોદ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકના વરસાદ અને આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જીલ્લા કલેક્ટર સુરભિ ગૌતમે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે જીલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલા વરસાદની વિગતો મેળવી હતી. તેમણે નદી-નાળા, જળાશયો અને નીચાણવાળા વિસ્તારોની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. હાલ જીલ્લામાં કોઈ ગંભીર આપત્તિજનક પરિસ્થિતિ નથી, પરંતુ સંભવિત જોખમોને પહોંચી વળવા તમામ આગોતરા પગલાં લેવાયા છે. ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક તાલુકા કક્ષાએથી સતત અહેવાલો મેળવી તેનું સંકલન કરાઈ રહ્યું છે, જેથી જ‚ર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.

કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા અને નીચાણવાળા તેમજ નદી કિનારાના સંવેદનશીલ ગામો પર વિશેષ નજર રાખવા સૂચના આપી છે. વરસાદ સંબંધિત કોઈપણ સમસ્યા કે આપત્તિના અહેવાલ મળતાની સાથે જ ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આપત્તિ વ્યવસ્થાપન બેઠક બાદ જીલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, ભારે વરસાદની સ્થિતિમાં બિનજ‚રી મુસાફરી ટાળવી. પાણી ભરાયેલા રસ્તાઓ કે વહેતા પાણીમાંથી પસાર થવાનો જોખમી પ્રયાસ ન કરવા પણ નાગરિકોને જણાવાયું છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર થતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું હિતાવહ છે.

સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી અફવાઓ કે અપ્રમાણિત માહિતીથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સ્ત્રોતો માંથી મળતી માહિતી પર જ વિશ્ર્વાસ કરવા નાગરિકોને અનુરોધ કરાયો છે. વરસાદ સંબંધિત કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ માટે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના કંટ્રોલ ‚મનો સંપર્ક કરવા પણ જણાવાયું છે. જીલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.