મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા: પીએમ મોદી અને અમિત શાહ સાથે વિકાસ અને વાયબ્રન્ટ સમિટ પર મંત્રણા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજથી બે દિવસના સત્તાવાર દિલ્હી પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના ટોચના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતને ગુજરાતના વિકાસ અને આવનારા મહત્વના કાર્યક્રમોની તૈયારીના દ્રષ્ટીકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી તારીખ ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા કરવાનો છે. ખાસ કરીને રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકની બીજી કડીને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે મુખ્યમંત્રી વડાપ્રધાનને વિગતવાર માહિતી આપશે. સુરક્ષા વ્યવસ્થા, લોજિસ્ટિક સપોર્ટ, મહેમાનોની વ્યવસ્થા અને સંકલન જેવા મુદ્દાઓ બેઠકના મુખ્ય એજન્ડા રહેશે.

રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો મોટી સંખ્યામાં આ સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન વધુ મજબૂત બને તે માટે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસ દરમિયાન સૌથી મોટું આકર્ષણ ભવ્ય રોડ-શો રહેશે. રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવસટી સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર ખાસ સજાવટ કરવામાં આવી રહી છે અને સુરક્ષા માટે વધારાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ ગુજરાતની લોક્સંસ્કૃતિ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લોકનૃત્ય, પરંપરાગત વેશભૂષા અને સંગીત દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી ચાલી રહી છે. સ્થાનિક સંસ્થાઓ, વેપારી સંગઠનો અને યુવા સંગઠનો પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવશે. રોડ-શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રાદેશિક બેઠકનું વિધિવત ઉદ્ઘાટન કરશે. આ સમિટમાં ગુજરાતના વિકાસ મોડલ, ઔદ્યોગિક રોકાણ અને ભવિષ્યની યોજનાઓ પર વિશેષ યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાજ્ય સરકારને આશા છે કે, આ સમિટથી ગુજરાતમાં નવા રોકાણો આવશે અને મોટા પાયે રોજગારી સર્જાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકો દ્વારા ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક વિકાસ અને કેન્દ્રરાજ્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.