છોટાઉદેપુર જીલ્લા-તાલુકા પ્રા.શિક્ષક સંઘની ચૂંટણી માટે ધમધમાટ શરૂ

છોટાઉદેપુર જીલ્લા તથા તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘની આગામી ૩ વર્ષની મુદત માટેની ચૂંટણી પ્રક્રિયા ધમધમાટ સાથે શ‚ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી મહેશકુમાર એચ. પટેલ તથા મદદનીશ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ તારીખ ૧૮-૧૦-૨૦૨૬ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

શિક્ષક સંઘની ચૂંટણીને લઈ જીલ્લાના શિક્ષકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મુખ્યત્વે વિવિધ પેનલો વચ્ચે આ ચૂંટણીનો મુકાબલો યોજાય એવી શક્યતા છે.જો કે કેટલીક જગ્યાએ સમાધાનની ફોર્મ્યુલા પણ આવી શકે એમ હોવાનું શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યું છે.

શિક્ષક સંઘની ચૂંટણીના કાર્યક્રમ મુજબ આગામી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ફોર્મની ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ત્યારબાદ ૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૩૦થી બપોરે ૪:૩૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. આ જ દિવસે સાંજે ૫ વાગ્યે તાલુકા સંઘની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે જીલ્લા સંઘની મતગણતરી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૯ વાગ્યાથી જીલ્લા મથકે કરવામાં આવશે.

નસવાડી તાલુકામાં સૌથી વધુ ૨૩, સંખેડામાં ૧૪ ફોર્મ ભરાયાં શિક્ષક સંઘની ચૂંટણી માટે નિર્ધારિત સમયમર્યાદા દરમિયાન જીલ્લા અને તાલુકા કક્ષાએ કુલ ૧૨૮ ફોર્મ ભરાયાં છે. જેમાં જીલ્લા સંઘ માટે ૨૬ ફોર્મ જ્યારે તાલુકા સંઘ માટે કુલ ૧૦૨ ફોર્મ નોંધાયાં છે. તાલુકાવાર વિગતો મુજબ નસવાડીમાં સૌથી વધુ ૨૩, સંખેડામાં ૧૪, કવાંટમાં ૧૩, બોડેલીમાં ૧૨, જ્યારે છોટાઉદેપુર, જેતપુર પાવી અને કદવાલ તાલુકામાં પ્રત્યેક ૧૧ ફોર્મ ભરાયાં છે.