છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખપદને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. પેટાચૂંટણીમાં વિજેતા બનેલા રજનીબેન જયદીપભાઈ રાઠવાને છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા છે.
અગાઉ, વોર્ડ ૪ના પૂર્વ સભ્ય અને પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીનો જાતિનો દાખલો ખોટો સાબિત થતા તેમનું સભ્યપદ રદ થયું હતું. આથી પ્રમુખપદ ખાલી પડ્યું હતું.
ગત ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રમુખની વરણી માટે સભા યોજાઈ હતી, પરંતુ એકપણ સભ્ય હાજર ન રહેતા ચૂંટણી મોકૂફ રખાઈ હતી. ત્યાર બાદ ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વોર્ડ ૪માં ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના રજનીબેન જયદીપભાઈ રાઠવા વિજેતા બન્યા હતા.
આજરોજ પ્રાંત અધિકારીએ પ્રમુખપદની ચૂંટણી માટે સભાનું આયોજન કર્યું હતું. જેમાં તમામ ૨૮ સભ્ય હાજર રહ્યા હતા. રજનીબેન જયદીપભાઈ રાઠવાએ પ્રમુખપદ માટે ઉમેદવારી કરી હતી અને અન્ય કોઈએ ઉમેદવારી ન કરતા તેમને બિનહરીફ પ્રમુખ જાહેર કરાયા.