શહેરાના નવા ભુણીદ્રા ડુંગર પર આઠમા નોરતે ભક્તિનો મહાસાગર ઉમટ્યો: ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ

શહેરા તાલુકાના સગરાડા નજીક આવેલ નયનરમ્ય અને પવિત્ર એવા નવા ભુણીદ્રાના ડુંગર પર આસો નવરાત્રિના મહાઅષ્ટમી એટલે કે આઠમા નોરતે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.આસો નવરાત્રિના આઠમા નોરતાનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ હોય છે. નવા ભુણીદ્રા ડુંગર પર આવેલા ર્માં અંબાના ધામને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવા સાથે ડુંગર પરિસર ‘જય અંબે’ અને ‘ર્માં અંબા કી જય’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. મંદિર પરિસરમાં યોજાયેલી આરતી બાદ પરંપરાગત ઢોલના તાલે અને સુમધુર ગરબાના સુરો પર ખેલૈયાઓએ ગરબે ઘૂમીને મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી. આ ભવ્ય ગરબા મહોત્સવમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને અગ્રણીઓએ વિશેષ હાજરી આપી ઉત્સાહ વધાર્યો હતો. પંચમહાલ જિલ્લા પંચાયત સદસ્ય મગનભાઈ પટેલિયા તેમજ તાલુકા પંચાયતના દંડક શાન્તાબેન ખાંટ માઁ અંબાના દર્શન કરી સમગ્ર તાલુકા અને જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓ પોતે પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા, જેને કારણે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આસો નોરતાના આઠમે નોરતે સગરાડા, નવા ભુણીદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આબાલવૃદ્ધ સૌ કોઈ ડુંગર પર માના દર્શનાર્થે અને ગરબા નિહાળવા ઉમટી પડ્યા હતા.