સંખેડા તાલુકાના હાંડોદ-રતનપુર રોડ પર ઠેર ઠેર તૂટેલા રસ્તા પરથી ભારે વાહનો પસાર થતાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે. જેના કારણે પાછળથી આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ, રસ્તા પરથી ઊડતી ધૂળ આસપાસનાં ખેતરોમાં પણ ફેલાતી હોવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આથી રસ્તા પર ડામરથી પેચવર્ક કરવાની માગ ઉઠી છે.
ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે હાંડોદ-રતનપુર રોડ પર અનેક સ્થળોએ ગાબડાં પડી ગયાં હતાં. વાહનચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ ગાબડાંમાં વેટ મિક્સનો માલ નાખી સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ સ્થળોએથી વાહનો પસાર થતાં ધૂળ ઊડવાની સમસ્યા સર્જાઈ રહી છે.
ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઊડતાં પાછળથી આવતા વાહનચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ધૂળ ખેતરોમાં ફેલાતાં ખેતીના પાકને પણ નુકસાન થવાની આશંકા છે. રસ્તા પરની આ સમસ્યા માંથી છૂટકારો મેળવવા માટે સત્વરે ડામર પાથરી કાયમી ધોરણે પેચવર્ક કરવામાં આવે તેવી માગ વાહનચાલકો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.