
ગોધરા તાલુકાના છારિયા ગામે આવેલા તળાવમાં ન્હાવા પડેલા ૪૦ વર્ષીય સામતભાઈ પટેલનું અકસ્માતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી કણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આશરે ૨ કલાકની ભારે જહેમત બાદ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુતકના પ્રસંગમાં આવ્યા હતા મૃતક સામતભાઈ પટેલ મૂળ છારિયા ગામના સુથાર ફળિયાના રહીશ હતા. તેઓ પોતાના કાકાના ઘરે આયોજીત સુતકના ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાના હેતુસર આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ગામના છારિયા તળાવ ખાતે ન્હાવા માટે ગયા હતા, જ્યાં અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પરિવાર અને સ્નેહીઓમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પગ લપસતાં ઊંડા પાણીમાં ગરકાવ તળાવમાં ન્હાતી વખતે અકસ્માતે તેમનો પગ લપસી ગયો હતો, જેના કારણે તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા અને જોતજોતામાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે બે કલાક સુધી સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને મૃતદેહને પાણીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ ઘટના અંગે જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ અચાનક બનેલી અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર છારિયા ગામમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ વ્યાપી ગયો છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ રાખી છે.