
અમદાવાદ નજીક સાંતેજ વિસ્તારમાં યોજાયેલા મંડલી ગરબા મહોત્સવમાં રવિવાર, ૧૮ ઓક્ટોબરની રાત્રે ઘર્ષણની ઘટના સામે આવી છે. માન્ય પાસ વિના ગરબા મેદાનમાં પ્રવેશવાના મુદ્દે સિક્યોરિટી ગાર્ડ્સ અને યુવકોના એક જૂથ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ મામલો ઉગ્ર બનતાં મારામારી થઈ હોવાની માહિતી છે. ઘટનાના વાયરલ વીડિયોમાં કેટલાક શખસો હાથમાં તલવારો અને લાકડીઓ સાથે જોવા મળતાં ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ગરબા મેદાનના પ્રવેશદ્વાર પર કેટલાક યુવકોએ માન્ય પાસ વિના અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. ગેટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરોએ તેમને અટકાવતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિવાદ વધીને મારામારી સુધી પહોંચ્યો હતો.
ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક યુવકો હાથમાં તલવારો અને લાકડીઓ લઈને ફરતા દેખાય છે. આ સ્થિતિને કારણે ગરબા રમવા આવેલા લોકોમાં અફરાતફરી મચી હતી. મહિલાઓ અને યુવતીઓ પણ ગભરાઈને સુરક્ષિત સ્થળે ખસી ગયાં હતાં.આ ઘટનાને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે મારામારી દરમિયાન રોકડ રકમ ભરેલી એક બેગ લઈને કેટલાક શખસો ફરાર થઈ ગયા હતા. જોકે, બેગ ચોરાઈ હોવાના આ દાવાની પોલીસ તરફથી પુષ્ટિ થઈ નથી. આથી આ મુદ્દે તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું રહેશે.
ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ અને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી હતી. તપાસના ભાગરૂપે ગરબાના આયોજકોને એલસીબી-૨ કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત, બંને પક્ષના કેટલાક લોકોને અલગ-અલગ પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો, વાયરલ વીડિયો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.