મોરવા(હ)તાલુકામાં પત્નિ અને પુત્રને આપધાત માટે મજબુર કરનાર આરોપીના જામીન નામંજુર

મોરવા(હ)તાલુકામાં ૫ત્નિને સતત શારીરિક તથા માનસિક ત્રાસ આપી તેના ૫ાંચ માસના અબોલ પુત્ર સાથે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરવા મજબુર કરવાના ગંભીર કેસમાં આરોપી પતિ રાકેશભાઈ કાંતિભાઈ નાનાભાઈ બારીયાની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે નામંજુર કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)ખાતે રહેતા આરોપી રાકેશભાઈ કાંતિભાઈ નાનાભાઈ બારીયા, તેની સાસુ તથા દિયર એક સાથે રહેતા હતા. આ આરોપીઓ મરણ જનાર સંગીતાબેનને તું અમોને ગમતી નથી, તારા પિતાના ધરે જતી રહે, તેમ કહી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત આરોપી રાકેશ બારીયા અન્ય છોકરી સાથે આડા સંબંધ રાખતો હોય અને તેને પત્નિ તરીકે ધરમાં લાવવા માંગતો હોવાથી સંગીતાબેન પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હતો. આરોપીના આ અસહ્ય ત્રાસથી કંટાળીને મરણ જનાર સંગીતાબેને તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ પોતાના પાંચ માસના માસુમ પુત્ર કિયાનને સાથે રાખી ધરની બાજુમાં આવેલ પાણી ભરેલા કુવામાં ઝંપલાવ્યુ હતુ. કુવામાં ડુબી જવાથી માતા અને માસુમ પુત્ર બંનેના મોત નીપજયાં હતા. આ બનાવ અંગે આરોપીઓ સામે મોરવા(હ)પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓને જયુડિ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આરોપી રાકેશભાઈ કાંતિભાઈ બારીયાએ જામીન મુકત થવા માટે રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જામીન અરજી પર સુનાવણી વખતે જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા ગુનાની ગંભીરતા અને કાનુની જોગવાઈઓને ટાંકીને દલીલો કરવામાં આવી હતી. દલીલો તથા કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ દ્વારા આરોપી રાકેશભાઈ કાંતિભાઈ નાનાભાઈ બારીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.