સંખેડાના કુંડીયા ગામે હેરણ નદીના પુરમાં સ્મશાન ધાટ ધરાશાઈ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કુંડીયા ગામેથી તંત્રની ઘોર બેદરકારી અને નબળા બાંધકામની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા હેરણ નદીમાં આવેલા ભારે પુરમાં કુંડીયા ગામે લાખો ‚પિયાના સરકારી ધુમાડા કરીને નદી કિનારે બનાવવામાં આવેલો સ્મશાન ધાટ પત્તાના મહેલની જેમ ધરાશાઈ થયો છે. નદીના ગાંડાતુર બનેલા પ્રવાહ સામે સ્મશાનની ચારેય તરફની પ્રોટેકશન દિવલો કાગળની જેમ તુટીને જમીનદોસ્ત થઈ ગઈ છે. હાલ ત્યાં માત્ર એક લાચાર લોખંડનો શેડ ઉભો છે. જીવતે જીવ તો ઠીક, હવે મર્યા પછી પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કુંડીયા અને આસપાસના વિસ્તારના શ્રમજીવી લોકો માટે આ એકમાત્ર સ્મશાન ધાટ હતો. પુરના રાક્ષસી પ્રવાહે સમગ્ર ધાટને સ્મશાનમાં ફેરવી નાંખ્યો છે. રક્ષણાત્મ્ક દિવાલો તુટવાથી અને આખોય વિસ્તાર પથ્થરો તેમજ કાટમાળથી ભરાઈ જતાં હવે અહિં અંતિમ સંસ્કાર કરવા તદ્દન અશકય બન્યા છે. સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ બિસ્માર અને પથ્થરવાળો થઈ ગયો છે.ચોમાસાની ઋતુમાં ગામમાં કોઈ કમનસીબ મૃત્યુ પામે તો મૃતદેહને કયાં સળગાવવો તે મોટો પ્રશ્ર્ન છે. કુંભકર્ણની નિંદ્રામાં પરવેટા ગ્રામ પંચાયત અને જવાબદાર અધિકારીઓ આ કુદરતી આફત અને માનવ સર્જિત બેદરકારી ધણા દિવસો વિતી જવા છતાંય પરવેટા ગ્રામ પંચાયતના સત્તાધિશો કે તાલુકાના વહીવટી અધિકારીઓના પેટનુ પાણી હાલતુ નથી. જનતાના ટેકસના લાખો ‚પિયા પાણીમાં વહી ગયા છતાં હજુ સુધી કોઈ અધિકારીઅ સ્થળ પર જઈને આ નુકસાનીનુ આંકલન કરવાની તસ્દી લીધી નથી. તંત્રની આ બહેરી અને મુંગા નિતી સામે સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વહેલી તકે આ સ્મશાન ધાટ રિપેર કરાવી દિવાલો બનાવી તૈયાર કરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે.