મહીસાગરમાં મોડીફાઇડ સાયલેન્સરવાળા 6 બુલેટ ડિટેઇન કરી સૂચનાથી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી રૂા.28,500નો દંડ ફટકાર્યો

મહીસાગર જીલ્લામાં મોડીફાઇડ સાયલેન્સર લગાવી ફરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા પોલીસ વડા સફિન હસનની સૂચના બાદ ટ્રાફિક શાખાએ સઘન ચેકિંગ કર્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત 6 બુલેટ વાહનો ડિટેઇન કરાયા હતા અને રૂ28,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આર.ટી.ઓ.ની પરવાનગી વિના કંપની ફિટેડ સાયલેન્સર બદલીને કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાયલેન્સર લગાવનારા વાહનચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. આવા વાહનોથી થતા અવાજને કારણે જાહેર જનતાને થતી અસુવિધા અને હોસ્પિટલોના દર્દીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં થતી ખલેલને ધ્યાનમાં રાખીને આ ડ્રાઇવ શરૂ કરાઈ છે.

જીલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા અને તેમની ટીમે સંતરામપુર, બાકોર અને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન, મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોડીફાઇડ સાયલેન્સરવાળા કુલ 6 બુલેટ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટની વિવિધ જોગવાઈઓના ભંગ બદલ અન્ય બુલેટ વાહનોને કુલ રૂ28,500નો સ્થળદંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ કામગીરી સમગ્ર મહીસાગર જીલ્લામાં ચાલુ રાખવામાં આવશે.