
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોષણ ચેમ્પિયન્સ અને કર્મયોગી બહેનોનું કરાયું બહુમાન.,
મહીસાગર જીલ્લાના લુણાવાડા ઘટક-૧ અંતર્ગત શામણા સેજાના વાણીયા વાળા ગોરાડા આંગણવાડી કેન્દ્ર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ’આંગણ મિલન સેવા પોષણ અને વિકાસનો ઉત્સવ’ તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અન્વયે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ રાજપાલસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ પ્રસંગે જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ, સ્થાનિક સરપંચ, આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઑફિસર અંબિકા જયસ્વાલ, લુણાવાડા ઘટક-૧ના સી.ડી.પી.ઓ. સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ, આરોગ્ય અને પોષણક્ષમ સેવાઓ અંગે જનજાગૃતિ કેળવવાનો હતો. રંગબેરંગી સજાવટ સાથે ઉત્સવમય બનેલા પરિસરમાં ભૂલકાંઓએ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી યોજનાઓની સફળતા અંગે ચર્ચા કરી હતી. આ તબક્કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીનો સુપોષિત ગુજરાત અંગેનો પ્રેરક સંદેશો વાચી સંભળાવવામાં આવ્યો હતો અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે ઉપસ્થિત સહુએ એકી અવાજે સામૂહિક ‘પોષણ શપથ’ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પોષણ સ્તરમાં ઉત્કૃષ્ટ સુધારો દર્શાવી ‘પોષણ ચેમ્પિયન’ બનેલા બાળકો અને કિશોરીઓને મહાનુભાવોના હસ્તે પૌષ્ટિક સુખડી, તાજા ફળો અને વિશેષ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી પાયાની આરોગ્ય સેવાઓ પહોંચાડતી આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોની નિષ્ઠાવાન કામગીરીની સરાહના કરી તેઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમના ભાગપે યોજાયેલા ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ મહાનુભાવોએ સ્વયં શ્રમદાન કરી પરિસરની સ્વચ્છતા કરી હતી તેમજ વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત ગ્રામજનોને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો રાખવા પ્રેરક આહ્વાન કર્યું હતું.