ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ મુદ્દે સરકારનું હકારાત્મક વલણ, આજે ૬ ઓક્ટોબરે ફરી બેઠક

ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ને લઈને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને વિવિધ વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ની વિવિધ જાગવાઈઓ અંગે સરકાર સમક્ષ વિગતવાર રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને વિધેયકની કેટલીક જાગવાઈઓથી વકીલો તથા આમ જનતા પર થનારી સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના વિવાદોના નિવારણની સત્તા સિવિલ કોર્ટ પાસેથી લઈને રેવન્યુ અધિકારીઓને સોંપવા અંગેની જોગવાઈને લઈને પણ કાનૂની અને વ્યવહારુ પાસાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાર કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતોને હકારાત્મક અભિગમ સાથે સાંભળી હતી. સમગ્ર મુદ્દે ચર્ચા-વિચારણા કરવા માટે કમિટી બનાવીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

આ મુદ્દે આગામી ૬ ઓક્ટોબર, મંગળવારે વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યો તેમજ અમદાવાદ સ્મોલ કોઝ અને સિટી સિવિલ કોર્ટના વકીલ મંડળોના હોદ્દેદારો હાજર રહેશે.સરકાર તરફથી શહેરી વિકાસ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ની સંબંધિત જોગવાઈઓ અંગે બાર કાઉન્સીલ તથા વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ સંબંધિત હિતધારકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.