ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના કોન્ટ્રાક્ટ પર સવાલ, કંપનીને બ્લેકલિસ્ટ કરવાની એનએસયુઆઇની માગ

ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને લઈને વિવાદ ઊભો થયો છે. એનએસયુઆઇએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસમાંથી કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાનું કામ છેલ્લા છ વર્ષથી ધ્રુવ કોર્પોરેશનને કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સોંપવામાં આવ્યું છે. સંગઠનના જણાવ્યા મુજબ, એક ડમ્પર દીઠ રૂ. ૮ હજાર ચૂકવવામાં આવે છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જ પ્રકારની કામગીરી રૂ. ૨,૦૦૦થી ૨,૫૦૦માં કરે છે. આ રીતે યુનિવર્સિટીને અંદાજે રૂ. ૨.૫થી ૩ કરોડનું નુકસાન થયું હોવાનો એનએસયુઆઇએ દાવો કર્યો છે. બીજી તરફ, યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ રજૂઆતના આધારે તપાસ કરીને ખામી જણાશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

એનએસયુઆઇના જણાવ્યા મુજબ, ગુજરાત યુનિવર્સિટીના અલગ-અલગ વિભાગો અને કેમ્પસમાંથી એકત્રિત થતો કચરો એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે. ત્યારબાદ આ કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાની કામગીરી ધ્રુવ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. સંગઠનનો આક્ષેપ છે કે આશરે છ વર્ષથી કંપની આ કામગીરી કરી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટ આપતી વખતે કોઈ ટેન્ડર કે જાહેર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.

એનએસયુઆઇએ સવાલ ઉઠાવ્યો છે કે સરકારી સંસ્થા એએમસી કરતાં વધુ ભાવ ચૂકવીને ખાનગી કંપનીને આ કામ શા માટે સોંપવામાં આવ્યુ ં? સંગઠનના જણાવ્યા મુજબ, એએમસીમાં એક ડમ્પર દીઠ કચરો ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાનો દર રૂ. ૨,૦૦૦થી ૨,૫૦૦ છે, જ્યારે ધ્રુવ કોર્પોરેશનને રૂ. ૮ હજાર ચૂકવવામાં આવે છે.

ગુજરાત એનએસયુઆઇના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીમાં કચરો સાફ કરવાની કામગીરી માટે સન નામની કંપનીને દર મહિને રૂ. ૨૨ લાખ ચૂકવવામાં આવે છે. તેમ છતાં, કેમ્પસમાંથી એકત્રિત થયેલો કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવા માટે અલગથી ધ્રુવ કોર્પોરેશનને કામગીરી સોંપવામાં આવી છે.

વિક્રમસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ટેન્ડર કે જાહેરખબર વિના રૂ. ૬૦ લાખથી વધુની ચૂકવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં એકાઉન્ટ, ઓડિટ, એસ્ટેટ વિભાગથી લઈને રજિસ્ટ્રાર કચેરી સુધીના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ થવી જાઈએ.એનએસયુઆઇએ ધ્રુવ કોર્પોરેશનને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માગ કરી છે. વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે કંપનીને વધુ ભાવ ચૂકવીને યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કંપની કોની છે અને કયા અધિકારીઓ સાથે તેની સાંઠગાંઠ છે તેની તપાસ કરવાની માગ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જા નાણાકીય ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવે. તેમના દાવા મુજબ, તાજેતરમાં બાકી નીકળતા રૂ. ૧૨ લાખનું ચૂકવણું પણ રજિસ્ટ્રારની સહી બાદ કંપનીને કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વ્યવહારને કારણે યુનિવર્સિટીને રૂ. ૨.૫થી ૩ કરોડનું નુકસાન થયું હોવાનો એનએસયુઆઇનો આક્ષેપ છે.આ મામલે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડા. જગદીશ જાશીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠન તરફથી રજૂઆત મળી છે કે ધ્રુવ કોર્પોરેશનને સામાન્ય દર કરતાં વધુ ભાવે કચરો ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી છે. આ રજૂઆતના આધારે સમગ્ર મામલાની હકીકતલક્ષી તપાસ કરવામાં આવશે.