દિવાળીને ગણતરીના દિવસો બાકી, છતાં અમદાવાદમાં ફટાકડા બજારમાં મંદીનો માહોલ!

દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જાવા મળતી હોય છે. ખાસ કરીને દિવાળીના પાવન પર્વે બાળકોમાં ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ અને આનંદ હોય છે. જાકે, આ વર્ષે અમદાવાદના ફટાકડા બજારમાં તદ્દન અલગ જ ચિંતાજનક પરિસ્થતિ જાવા મળી રહી છે. ફટાકડાના ભાવમાં અચાનક દોઢ ગણો વધારો થયો હોવાના વેપારીઓના દાવા વચ્ચે બજારમાં ગ્રાહકોની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવાળીના માંડ પાંચ દિવસ બાકી હોવા છતાં ફટાકડાની દુકાનો પર ગ્રાહકોની પાંખી હાજરી જાવા મળી રહી છે, જેના કારણે ફટાકડાના નાના-મોટા વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે.

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા અગાઉથી વિવિધ પ્રકારના ફટાકડાનો પૂરતો સ્ટોક કરવામાં આવ્યો છે. બાળકો માટેના નાના ફટાકડાથી લઈને રોકેટ, ચકરી, અનાર, સ્પાર્કલ્સ અને અવનવા કલરફુલ ફટાકડા સહિતની વિશાળ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. દર વર્ષે આ દિવસોમાં ફટાકડા ખરીદવા લોકોની ભારે ભીડ ઉમટતી હોય છે, પરંતુ આ વર્ષે સતત વધેલા ભાવની સીધી માઠી અસર ખરીદી પર પડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ફટાકડાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ફટાકડાના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે. જીએસટી સહિતના ઉત્પાદન અને પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે હોલસેલમાંથી જ ફટાકડા મોંઘા મળી રહ્યા છે. અગાઉ જે રકમમાં બાળકો માટે ફટાકડાનું આખું બોક્સ ભરાઈ જતું હતું, તે જ રકમમાં હવે ગણતરીના ફટાકડા જ હાથમાં આવે છે.૧૦૦ માં અગાઉ આખું બોક્સ ભરાઈ જતું હતું, જ્યારે હવે એટલી જ રકમમાં માત્ર ૧૦ જેટલા ફટાકડા મળે છે. વધેલા ભાવના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે ફટાકડા ખરીદવા અત્યંત મુશ્કેલ બન્યા છે, જેના કારણે બાળકોનો તહેવારી ઉત્સાહ પણ મોંઘવારી તળે દબાઈ રહ્યો છે.

સ્થાનિક ફટાકડાના વેપારીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યારે ભારે મંદીનો માહોલ છે. દિવાળીને માંડ પાંચ દિવસ બાકી છે છતાં દુકાન પર એક પણ ગ્રાહક દેખાતો નથી. ફટાકડાના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે. સામાન્ય માણસો ફટાકડા લેવા ક્યાંથી જાય? અગાઉ સો રૂપિયામાં આખું બોક્સ ભરાઈ જતું હતું, જ્યારે હવે ૧૦ ફટાકડા પણ માંડ આવે છે. અમારે પણ નાના માણસોને વ્યાજબી ભાવે ફટાકડા આપવા છે, પરંતુ ઉપરથી જ માલ એટલો મોંઘો મળે છે કે ઓછા ભાવે વેચવું શક્ય નથી. આ વર્ષે અમારો સ્ટોક વેચાશે કે નહીં તેની ભારે ચિંતા છે. વેપારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજના સમયમાં સામાન્ય પરિવારોને રોજિંદી જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં પણ મોટો આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારીના કારણે દાળ, તેલ, ઘી અને શાકભાજીના ખર્ચ વચ્ચે તહેવારની ખરીદી માટે અલગથી બજેટ ફાળવવું મુશ્કેલ બન્યું છે. વેપારીઓએ સરકારને પણ અપીલ કરી છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ અને તહેવારો સાથે જાડાયેલી ખરીદી પરના કરના ભાર અંગે યોગ્ય પુનઃવિચારણા કરવામાં આવે. હાલ ફટાકડા બજારમાં સ્ટોક પૂરતા પ્રમાણમાં છે, પરંતુ ગ્રાહકોનો અભાવ વેપારીઓની ઊંઘ ઉડાડી રહ્યો છે. હવે દિવાળીના અંતિમ દિવસોમાં બજારમાં ગ્રાહકોની આવન-જાવન વધે અને વેપાર વેગ પકડે તેવી આશા સાથે વેપારીઓ ગ્રાહકોની વાટ જાઈ રહ્યા છે