ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં કાલોલ બાર એસોસિએશનનો કોર્ટ કામકાજથી અચોક્કસ મુદત સુધી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યું

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વકીલો રેંટ એક્ટ ના વિરોધમાં કોર્ટ કામગીરીથી અળગા રહ્યા છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઠરાવને સમર્થન આપતાં કાલોલ બાર એસોસિએશન દ્વારા ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ (Gujarat Rent Bill 2026)ના વિરોધમાં કોર્ટ કામકાજથી અચોક્કસ મુદત સુધી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. ૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે કાલોલ બાર એસોસિએશનની જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં હોદ્દેદારો અને સભ્યોની હાજરીમાં આ અંગેનો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ‘ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬’ માં તકરારોના નિવારણ માટે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ ભાડા સત્તાધિકારીઓ (જેમ કે એડી. કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર) ને નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે. વકીલોના મતે, આ જોગવાઈથી ન્યાયિક (જુડીશીયલ) ઓથોરિટી પાસેથી સત્તાઓ આંચકીને એડમિનિસ્ટ્રેટીવ ઓથોરિટીને આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ગુજરાતના વકીલો, પક્ષકારો અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ, ૦૫/૧૦/૨૦૨૬ (સોમવાર) થી જ્યાં સુધી આ વિધેયકની જોગવાઈઓના પ્રશ્નોનો સંતોષજનક ઉકેલ ન આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની કોર્ટોમાં વકીલો કામકાજથી અળગા રહેશે. કાલોલ બાર એસોસિએશને જજ શ્રીઓને વિનંતી કરી છે કે, વકીલોની હડતાળના કારણે પક્ષકારો કે વકીલોની ગેરહાજરીને ધ્યાને રાખીને કેસમાં પરિસ્થિતિ યથાવત રાખવામાં આવે અને પક્ષકારો સામે કોઈ વોરંટ કે અન્ય આકરા ન્યાયિક પગલાં ન ભરવામાં આવે.