
ન્યૂ રાણીપ વિસ્તારમાં શ્રમજીવી પરિવારના ૩૭ દિવસના બાળકની ચોરીના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક યુવક સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં બાળકને ઉત્તર પ્રદેશમાં નિઃસંતાન દંપતી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.૨ ઓક્ટોબરની વહેલી સવારે ન્યૂ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર પરિવાર સાથે સૂતેલા બાળક ગુમ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાબરમતી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.દાન સ્વીકારો
પોલીસની તપાસ દરમિયાન ૩ ઓક્ટોબરે સાંજે બાળક રાણીપ વિસ્તારના તળાવ નજીકથી મળી આવ્યું હતું. પોલીસે બાળકને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા એક યુવતીની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી.
સીસીટીવી અને અન્ય તપાસના આધારે પોલીસે યુવતીને ઝડપી લીધી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર મામલે અન્ય આરોપીઓની સંડોવણીની માહિતી મળતાં પોલીસે બે સગીરોને પણ ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકને એક એજન્ટ મારફતે ઉત્તર પ્રદેશમાં પહોંચાડવાની તૈયારીમાં હતા. બાળકના બદલામાં લાખો રૂપિયાની લેવડદેવડ થવાની હતી. તપાસમાં એક યુવાનની પણ સંડોવણી સામે આવતા પોલીસે તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધો છે.પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં બાળકને ખરીદવા ઇચ્છતા નિઃસંતાન દંપતી સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકની ઉંમર અંગે પણ ચોક્કસ પસંદગી રાખવામાં આવી હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ અગાઉ પણ બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર રેકેટમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે.પોલીસ હવે બાળકના સોદામાં સંડોવાયેલા સંભવિત વચેટિયા, નાણાકીય લેવડદેવડ અને બાળક ખરીદવા ઇચ્છતા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.