પંચમહાલ બાર એસો. દ્વારા ગુજરાત ભાડાવિધેયકના વિરોધમાં હડતાળનું એલાન:બિલને મોકૂફ કે રદ કરવામાં ન આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક બિલ-૨૦૨૬ના વિરોધમાં પંચમહાલના વકીલો અચોક્કસ મુદત સુધી અદાલતી કામકાજથી અળગા રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશને પગલે પંચ. ડિસ્ટ્રિક્ટ બાર એસો. દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાર એસો. દ્વારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ તમામ જજોને પાઠવવામાં આવેલા પત્ર અનુસાર, ગુજરાત સરકારે રજૂ કરેલા ભાડા વિધેયક બિલ- ૨૦૨૬માં રહેલી ક્ષતિઓમાં જ્યાં સુધી તાત્કાલિક અસરથી સુધારો કરવામાં ન આવે અથવા આ બિલને મોકૂફ કે રદ ન કરે, ત્યાં સુધી રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે કામકાજ સ્થગિત રાખવાનો આદેશ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવ્યો છે.

આ આદેશના સમર્થનમાં વકીલ મંડળે તા.૫ ઓક્ટોબરથી અર્જન્ટ કામકાજ સહિત તમામ કાર્યવાહીથી અચોક્કસ મુદત સુધી અળગા રહેવાનો ઠરાવ કર્યો છે.

વધુમાં, વકીલ મંડળે કોર્ટને વિનંતી કરી છે કે વકીલો કે પક્ષકારોની ગેરહાજરીમાં કોઈપણ કેસ એકતરફી ન ચલા વે તેમજ ગેરહાજરી બદલ વોરંટ કે નોટિસ ઈશ્યૂ ન કરી, કેસોને જે તે સ્ટેજે જ રાખવામાં આવે જેથી પક્ષકારો કે વકીલોને કોઈ અન્યાય કે નુકસાન ન થાય. તેમ બાર એસો.ના પ્રમુખ ચિરાગ પરીખ અને સેક્રેટરી મિહિર પુરાણીએ જણાવ્યું છે.