
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના મેડિકલ રેકોર્ડ લીક થવાથી રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ થયો છે. પૂર્વ મુખ્યમંત્રીના અંગત તબીબી રેકોર્ડ અને તેમની સારવાર સંબંધિત ગુપ્ત દસ્તાવેજા પરવાનગી વિના જાહેર કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીના વકીલે આ મામલે એસએસકેએમ હોસ્પિટલ મેનેજમેન્ટ અને રાજ્યના આરોગ્ય વિભાગના અનેક અધિકારીઓને સીધી કાનૂની નોટિસ મોકલી છે.નોટિસમાં જણાવાયું છે કે પૂર્વ મુખ્યમંત્રીની સારવાર સંબંધિત સંવેદનશીલ માહિતી અને તબીબી અહેવાલો પરવાનગી વિના જાહેર કરવામાં આવ્યા છે, જે તબીબી ગોપનીયતા કાયદા અને ડોકટરો માટે વ્યાવસાયિક આચારસંહિતાનું ઘોર ઉલ્લંઘન છે.
તાજેતરમાં, રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તબીબી દસ્તાવેજાનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો હતો કે માર્ચ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગમાં ફ્રેક્ચર થયું ન હતું. મમતા બેનર્જીએ વિરોધમાં કાનૂની નોટિસ મોકલી છે.૨૦૨૧ ના નંદીગ્રામ ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીના પગમાં થયેલી ઈજા સંબંધિત મેડિકલ રિપોર્ટને ટાંકીને, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે હોÂસ્પટલના રેકોર્ડ મુજબ, તેમના પગમાં ફ્રેક્ચર કે ડિસલોકેશનના કોઈ પુરાવા નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે.
ટીએમસીએ સુવેન્દુ અધિકારીના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા, તેમને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, રસહીન અને પેટાચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવ્યો.હકીકતમાં, ત્રણ વખતના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ૧૦ માર્ચ, ૨૦૨૧ ના રોજ નંદીગ્રામના બિરુલિયા વિસ્તારના રેયાપારામાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, તેમણે દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ તેમની કારના ખુલ્લા દરવાજા સાથે અથડાઈ ગયા હતા અને તેમના ડાબા પગમાં ઈજા થઈ હતી. બાદમાં, તેમણે એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી ભીડે તેમને ધક્કો માર્યો હતો. તેમને એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડાબા પગની ઘૂંટીમાં અને પગના હાડકા અને અસ્થીબંધનમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ, મમતા બેનર્જી વ્હીલચેરમાં ચૂંટણી પ્રચાર કરતા જાવા મળ્યા હતા. ત્યારબાદ, ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી, ૨૧૦ થી વધુ બેઠકો જીતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત ૭૭ બેઠકો જીતી શકી.