પંચમહાલ જિલ્લામાં બોર્ડની ઉત્તરવહી તપાસવામાં બેદરકારી દાખવનાર ૯૪ શિક્ષકોને દંડ ફટકારાયો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસઈબી)દ્વારા લેવાયેલી બોર્ડની પુરક પરીક્ષાઓની ઉત્તરવહી તપાસણી કામગીરીમાં બેદરકારી દાખવવી પંચમહાલ જિલ્લાના શિક્ષકોને ભારે પડી છે.

ઉત્તરવહી ચકાસણી દરમિયાન ગુણ ગણતરી અને મુલ્યાંકનમાં ભુલો જણાતા જિલ્લાના ધો.-૧૦ ના ૪૨ અને ધો.-૧૨ ના ૫૨ મળી કુલ ૯૪ શિક્ષકોને બોર્ડ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારીને ૧.૦૭ લાખનો દંડ ભરવાનો આદેશ કરાયો છે. પરિણામ પછી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી રિ-ચેકિંગ અરજીઓમાં માર્કસ બદલાતા શિક્ષકોની મોટી ભુલો ખુલ્લી પડી હતી. ગુજરાત માધ્યીમક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.-૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર થયા બાદ હજારો વિદ્યાર્થીઓએ માર્કસથી અસંતોષ વ્યકત કરી રિ-ટોટલિંગ અને રિ-ચેકિંગ માટે અરજીઓ કરી હતી. બોર્ડના નિષ્ણાંતોએ ઉત્તરવહીઓની ફરી ચકાસણી કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. શિક્ષકોએ પ્રશ્ર્નોના માર્કસ ગણવામાં, મુખ્ય પૃષ્ઠ પર સરવાળો મુકવામાં તેમજ કેટલાક પ્રશ્ર્નો તપાસવામાં જ ગંભીર ભુલો કરી હતી. બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં સા‚ મહેનતાણુ આપવા છતાં શિક્ષકો દ્વારા તપાસણીમાં ગંભીર ક્ષતિ કરેલી છે. પંચમહાલ જિલ્લાના ૯૪ શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી દાખવી છે. જેમાં ધો.-૧૦ ના ૪૨, ધો.-૧૨ સામાન્ય પ્રવાહના ૫૧, અને ધો.-૧૨ સાયન્સના ૧ શિક્ષક મળી કુલ ૯૪ શિક્ષકો સામે બોર્ડના નિયમોનુસાર કાર્યવાહી કરી છે. જેમાં શિક્ષકે કરેલી ભુલમાં ૧ માર્કના તફાવત દીઠ રૂ .૧૦૦ લેખે દંડ વસુલવાની નોટિસ આપી છે. જિલ્લાના ૯૪ શિક્ષકોને રૂ.૧,૦૭,૦૦૦/-નો દંડ નિયમ સમય મર્યાદામાં ભરપાઈ કરવા અથવા ખુલાસો રજુ કરવા આદેશ આપ્યો છે. નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં દંડની રકમ નહિ ભરે તો નિયમોનુસાર કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી.