સંતરામપુર તાલુકામાં રેશનિંગનુ રૂ.૧નુ ફોર્ટિફાઈડ મીઠું મફતમાં પણ કોઈ લેવા તૈયાર નથી

સંતરામપુર તાલુકામાં સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે ચલાવવામાં આવતી પોષણયુકત આહારની યોજના કેવી રીતે ધુળધાણી થઈ રહી છે. વ્યાજબી ભાવની ૭૪ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં દર મહિને મોટા પ્રમાણમાં ડબલ ફોર્ટિફાઈડ મીઠાંનુ વિતરણ કરવાના સરકારી દાવાઓ માત્ર કાગળ પર જ સિમીત રહ્યા છે. જયારે જમીન પર હકીકત સાવ વિતરીત છે. જમીન પરની વાસ્તવિકતા તપાસતા સામે આવ્યુ છે કે, આ યોજનાના આંકડા અને વિતરણ વ્યવસ્થા વચ્ચે મોટો વિરોધાભાસ છે.

સંતરામપુર તાલુકાની રેશનિંગ દુકાનોમાં માંગ અને ફાળવણી મુજબ દર મહિને ૧૦ ટન, ૧૫ ટનથી લઈને ૨૦ થી ૨૫ ટન સુધીનો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનો જથ્થો સત્તાવાર રીતે પહોંચાડવામાં આવે છે. જયારે સીંગલ દુકાન કે નાના વિતરણ કેન્દ્રોની વાત કરીએ તો ત્યાં પણ દર મહિને ૨ થી ૫ ટન જેટલુ મીઠું ફાળવવામાં આવે છે. કાગળ પર આ પુરો જથ્થો વહેંચાઈ ગયાના આંકડા દર્શાવવામાં આવે છે. પરંતુ વાસ્તવકિતા એ છે કે, અંદાજે ૯૦ ટકા જેટલા રેશનિંગ ગ્રાહકો આ મીઠું વાપરવા તૈયાર જ નથી. માત્ર ૧ રૂપિયા પ્રતિ કિલોએ મળતા આ મીઠાનો ધણી જગ્યાએ દુકાનદારો ગ્રાહકોને પૈસા લીધા વગર આ મીઠું આપવા તૈયાર હોય છે. છતાં ગ્રાહકો તેને સ્વિકારવા તૈયાર નથી.