
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કર્મભૂમિ કાશીથી જન્મભૂમિ વડનગર સુધી ભાજપ દ્વારા આયોજીત ‘સેવા સંકલ્પ યાત્રા’ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવી પહોંચતાં વિવિધ સ્થળોએ તેનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લુણાવાડા નગરમાં યાત્રાના પ્રારંભ અગાઉ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા અને રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઇ પટેલ, જીલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઇ બારિયા, જીલ્લા પ્રભારી વિશાલભાઇ ભરવાડ સહિત સંગઠનના અગ્રણીઓએ લુણાવાડાના ઐતિહાસિક લુણેશ્ર્વર મહાદેવ મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં બનાવવામાં આવેલી ‘વિકસિત ભારત’ વિષય આધારિત ફૂલોની અદ્ભુત રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે અધ્યક્ષએ છાત્રાલયના બાળકોને ફૂલસ્કેપ બુકનું વિતરણ કર્યું હતું અને તેમની સાથે ભાવસભર સંવાદ સાધ્યો હતો.
ત્યારબાદ લુણાવાડાના બાબા આંબેડકર ચોક પાસેથી અધ્યક્ષ અને રાજ્ય મંત્રી સહિતના તમામ અગ્રણીઓ ઉત્સાહભેર બાઇક યાત્રામાં જોડાયા હતા. નગર ભ્રમણ દરમિયાન યાત્રામાં સામેલ આગેવાનોએ રાષ્ટ્રના મહાપુષોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, જેમાં ડો. બાબા આંબેડકરની પ્રતિમા અને ફુવારા ચોક ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તેમજ લુણેશ્ર્વર ચાર રસ્તા પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી ભાવ વંદના કરી હતા. તદ્ઉપરાંત, પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામના ચરણોમાં વંદન કરી, ત્યાં ભગવાન પરશુરામની વેશભૂષામાં સજ્જ બાળકો સાથે આગેવાનોએ સ્નેહપૂર્વક વાતચીત કરી હતી.
સમગ્ર લુણાવાડા નગરમાં યાત્રાના નિર્ધારિત માર્ગો પર વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વારાણસીથી આવેલા બાઇક યાત્રીઓએ આરોગ્ય કેમ્પના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત, આદર્શ વિદ્યાલય હોલ ખાતે યોજાયેલા લાભાર્થી સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રની મોદી સરકારના આગમન પછી દેશ અને નાગરિકોના જીવનમાં આવેલા વ્યાપક સકારાત્મક પરિવર્તનની અનુભવકથાઓ લાભાર્થીઓ પાસેથી સાંભળી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી, યોજનાઓ
નો લાભ મેળવી તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનો અંગે તેમના અનુભવો અને પ્રતિભાવો જાણ્યા હતાં.
યુવા સશક્તિકરણના ભાગપે હરદાસપૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ યુવા રમતવીરો સાથે વિવિધ રમતો રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે તેમણે મોદી સરકારની ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓ મારફતે રમતગમત ક્ષેત્રે પાયાના સ્તરેથી પ્રતિભાવંત ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનો સાથે વિસ્તારપૂર્વક સંવાદ સાધ્યો હતો.

યાત્રા હાડોડ ખાતે પહોંચતાં સ્થાનિક નાગરિકો દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં પવિત્ર મહીસાગર નદીનું જળ સેવા સંકલ્પ યાત્રાના કુંભમાં ઉમેરીને સંકલ્પને પુન: દ્રઢ કરવામાં આવ્યો હતો. મહીસાગર નદીનું જળ ઉમેર્યા બાદ આ યાત્રા વરધરી થઈને આગળ બાલાસિનોર તાલુકા તરફ રવાના થઈ હતી.
આ સમગ્ર આયોજનમાં પ્રદેશ મંત્રી મુક્તિબેન, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યો માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, કુબેરભાઈ ડિંડોર, પ્રદેશ અને જીલ્લા તાલુકા નગર સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.