મહીસાગર જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી પ્રારંભ

લુણાવાડા ખાતે રાજ્યસભા સાંસદ અને જીલ્લા પંચાયત પ્રમુખ અને સંતરામપુર ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહીસાગર જીલ્લામાં બે નવા વેચાણ કેન્દ્રો શ‚ કરાયો.

પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોમાં જાગૃતિ કેળવાય અને રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નાગરિકોને શુદ્ધ પ્રાકૃતિક ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય અને ઉત્પાદનોના સીધા વેચાણ થકી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ઊભા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ‚પે રાજ્ય કક્ષાએથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યવ્યાપી વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લુણાવાડા સેવા સદન સ્થિત વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

આ રાજ્યવ્યાપી પહેલ અંતર્ગત મહીસાગર જીલ્લામાં બે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર, વડધરી રોડ, લુણાવાડા ખાતે રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર તેમજ જીલ્લા કલેક્ટર અર્પિત સાગરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત, તાલુકા કક્ષાએ સંતરામપુર ખાતે ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમોમાં જીલ્લાભરમાંથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્રો ખેડૂતથી ગ્રાહક સુધીની સીધી વેચાણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવશે અને વચેટીયાઓ મુક્ત સીધા બજારથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સદ્ધર થશે તેમજ શહેરી અને ગ્રામ્ય નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પેદાશો સરળતાથી મળશે.