
પોલીસ સ્ટેશને જવાને બદલે બાવન ગામ વણઝારા સમાજે ’પંચ દરબાર’માં જટિલ વિવાદ ઉકેલ્યો.
શહેરા તાલુકાના સુરેલી અને કવાલી ગામના વણઝારા સમાજના યુવક અને યુવતીએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા બાદ બંને પરિવાર વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું. આ સામાજીક વિવાદનો સુખદ અંત લાવવા માટે કાંકરી તરફના જાહેર માર્ગને અડીને ’બાવન ગામ વણઝારા સમાજ’ના પંચોની ઉપસ્થિતિમાં એક પંચ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ અને પંચોની કલાકોની સમજાવટ બાદ આખરે બંને પરિવારો વચ્ચે બાકી રહેલી કડવાશ દૂર થઈ હતી અને મામલો સુખદ સમાધાન પર પહોંચ્યો હતો.
શહેરા તાલુકાના સુરેલી અને કવાલી ગામના વણઝારા સમાજના દીકરા-દીકરીએ મરજીથી લગ્ન કરી લીધા હોવાથી બંને પક્ષના પરિવારો વચ્ચે મનદુ:ખ ઊભું થયું હતું. આંતરિક મતભેદો અને મનદુ:ખ વધતાં સામાજીક શાંતિ જોખમાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે હેતુથી વણઝારા સમાજના વડીલો અને અગ્રણીઓ આગળ આવ્યા હતા અને પંચ દરબાર બોલાવવાનો નિર્ણય લીધો હતો.કાંકરી તરફના જાહેર માર્ગ ને અડીને આ પંચ દરબારમાં બાવન ગામ વણઝારા સમાજના પંચો, વડીલો અને અગ્રણીઓ એકઠા થયા હતા. આશરે ત્રણ કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા-વિચારણા અને સમાજના મોભીઓની યોગ્ય માર્ગદર્શન તેમજ સમજાવટના પરિણામે બંને પરિવારો સમાધાન કરવા તૈયાર થયા હતા.પંચો દ્વારા બંને પક્ષોને સામાજીક રીત-રિવાજો અને એકતાનું મહત્વ સમજાવીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વૈમનસ્ય ન રાખવા માટે સંમતિ સાધવામાં આવી હતી. ત્રણ કલાકના અંતે પંચ દરબારની સફળ મધ્યસ્થતાથી બંને પરિવારોએ એકબીજા પ્રત્યેનું મનદુ:ખ ભૂલીને સુખદ સમાધાન સ્વીકાર્યું હતું. વર્ષો પહેલાં સમાજના વડીલો અને પંચો દ્વારા આંતરિક મતભેદો કે સામાજીક બાબતોનો નિકાલ બેસીને જ લાવવામાં આવતો હતો. સમય બદલાતાં મોટાભાગના કિસ્સાઓ હવે પોલીસ સ્ટેશન અને કોર્ટ-કચેરીના દરવાજે પહોંચી જતા હોય છે. જોકે, આ આધુનિક દોડધામ વચ્ચે શહેરા બાવન ગામ વણઝારા સમાજે આજે પણ પોતાની પ્રાચીન સામાજીક ‘પંચ પ્રથા’ પર પૂરો વિશ્ર્વાસ વ્યક્ત કરીને દાખલો બેસાડ્યો હતો. વણઝારા સમાજની આ પરંપરાગત અને સુમેળભરી પહેલે સાબિત કર્યું છે કે જૂની પંચ પરંપરા આજે પણ સામાજીક એકતા અને શાંતિ માટે સૌથી સચોટ માર્ગ છે.