ગોધરામાં ભુરા મોટર્સ માલિક સામે પીકઅપ ગાડી સર્વિસના બહાને ચોરી કરી વિશ્ર્વાસધાત કર્યાની ફરિયાદ

ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગોન્દ્રા ખાતેની ભુરા મોટર્સના માલિક મોહમ્મદ વસીમ કંસારા ઉર્ફે ભુરિયા વિરૂદ્ધ વિશ્ર્વાસઘાત અને વાહન ચોરીનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદી મુકેશભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, 10 ડિસેમ્બર, 2023ના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ તેઓ પોતાની પીકઅપ ગાડી (રજી.નં.ૠઉં.17.ઝઝ.8547) સર્વિસ કરાવવા માટે ભુરા મોટર્સ પર ગયા હતા. ત્યાં મોહમ્મદ વસીમ કંસારાએ તેમને ગાડી ત્યાં મૂકીને બે દિવસ પછી આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી જ્યારે મુકેશભાઈ ગાડી લેવા ગયા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે એન્જિનમાં ખામી છે અને તેને ફરીથી ખોલવું પડશે. ત્યારબાદ ડીઝલ લાવવાનું કહેતા મુકેશભાઈ ડીઝલ લઈને ગયા, પરંતુ ગાડી ચાલુ થઈ નહીં.

મોહમ્મદ વસીમ કંસારાએ ગાડીના સ્પેરપાર્ટ્સ બહારથી મંગાવવા પડશે તેમ કહી રૂા. 35,000ની માંગણી કરી હતી, જે મુકેશભાઈએ ચૂકવી દીધા હતા. પૈસા આપ્યા પછી પણ ગાડીનું કામ થયું ન હતું.

મુકેશભાઈએ વારંવાર ફોન કરીને અને રૂબરૂ જઈને પૂછપરછ કરી, ત્યારે દર વખતે સ્પેરપાર્ટ્સ આવ્યા નથી અથવા ડીઝલ લઈને આવો તેવા બહાના બનાવવામાં આવતા હતા. આશરે એક વર્ષ પછી મુકેશભાઈને મોહમ્મદ વસીમ કંસારા રસ્તામાં મળ્યા ત્યારે તેમણે ગાડી પરત આપવા કહ્યું, પરંતુ ફરીથી બહાના બનાવવામાં આવ્યા.

આશરે બે વર્ષ પછી જ્યારે મુકેશભાઈએ ફરીથી પોતાની ગાડી વિશે પૂછ્યું, ત્યારે મોહમ્મદ વસીમ કંસારાએ જણાવ્યું કે તેમની ગાડી ત્યાં નથી અને તે ચોરાઈ ગઈ છે. આમ, રૂા.35,000 લીધા પછી પણ ગાડી પરત ન આપીને અને ગાડી ચોરાઈ ગઈ હોવાનું કહીને મોહમ્મદ વસીમ કંસારાએ વિશ્ર્વાસઘાત કર્યો હોવાનો આરોપ મુકેશભાઈએ લગાવ્યો છે. ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.