મહીસાગરમાં ધોધમાર વરસાદ:લુણાવાડા સહિત જીલ્લાના અનેક વિસ્તારો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી મુજબ વરસાદ નોંધાયો છે. ત્રણ કલાક માટે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

લુણાવાડા શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. માંડવી, હુસેની ચોક, હાટડીયા બજાર અને પીપળી બજાર જેવા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

લુણાવાડા ઉપરાંત બાલાસિનોર, સંતરામપુર, કડાણા, ખાનપુર, કોઠંબા અને જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને બિનજ‚રી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.