જમીયતપુરા ડમ્પીંગ સાઇટની પાસેથી દુષિત પાણીના સેમ્પલ જીપીસીબીએ અનેકવાર લીધા પણ કાર્યવાહી કરાઇ નથી. જ્યારે ગાંધીનગરમાં જીપીસીબી કચેરી સામે ગ્રામજનોએ હલ્લાબોલ કરતા ટીમે ફરીથી સેમ્પલ લીધા હતા.
ત્યારે વારંવાર પાણીના સેમ્પલ લઈ જીપીસીબી તપાસના નામે નાટક કરતી હોવાની ગ્રા મજનોમાં ચર્ચાઓ જોર પકડ્યુ છે.
બાલાસિનોરના જમીયતપુરા સીમમાં કેમિકલ કચરાના ડમ્પિંગના કારણે બોર, કૂવા અને તળાવના પાણી લાલ રંગના થઈ દૂષિત બન્યા છે. આ ઝેરી પાણીથી ખેતી, પશુઓ અને માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો હતો.જેને કારણે ડમ્પીંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરાવવા ગ્રામજનો દ્વારા અનેકવાર નાયબ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં ગ્રામજનો રોષે ભરાયાં હતાં.
4 ગામોના 50થી વધુ ખેડૂતો લાલ પાણીની બોટલો સાથે ગાંધીનગર સ્થિત GPCB ભવન ખાતે પહોંચી ભારે હલ્લાબોલ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી જમીયતપુરા અને આસપાસના 15થી 20 કિલોમીટર વિસ્તારમાં 8થી વધુ કૂવા, બોર અને તળાવોમાંથી ઝેરી લાલ પાણી નીકળી રહ્યું છે. સ્થાનિક સ્તરે કલેક્ટરને રજૂઆતો અને ચક્કાજામ કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ગાંધીનગર પહોંચી ડમ્પિંગ સાઇટ સામે ગુનો નોંધી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી હતી.
પરંતુ કાર્યવાહીના નામે ત્રણ થી ચાર વખત કૂવાના પાણીના સેમ્પલ લઈ જઈ ગ્રામજનોને આશ્વાસન અપાતું હોવાનું દેખાઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે ગ્રામજનો પહોચ્યા બાદ બાલાસિનોર મામલતદાર અને કમિટી દ્વારા ડમ્પિંગ સાઇટ તેમજ સ્થાનિક ખેડૂતોના કૂવા અને તળાવમાંથી પાણીના પુન: સેમ્પલ લેવાયા હતા.
ત્યારે વારંવાર પાણીના સેમ્પલ લેવાતા ગ્રામજનોએ GPCB દ્વારા માત્ર તપાસનું નાટક કરાતું હોવાની શંકા વ્યક્ત કરી છે. અને જો કેમિકલની ડમ્પીંગ સાઇડ બંધ નહિ થાય તો વધુ વિસ્તારમાં પાણી અને જમીન દુષિત થવાની શકયતાઓ ગ્રામજનો દ્વારા સેવાઇ રહી છે.
તપાસ કમિટી બનાવી છે ગાંધીનગર ખાતેથી કમિટી બનાવવામાં આવી હતી. જેને લઈને 20 એપ્રિલના રોજ વિઝિટ કરવામાં આવી હતી. 24 જૂન અને 10 જુલાઈએ સ્થળ તપાસ કરવામાં આવી હતી. સેમ્પલના રિપોર્ટ મારે જોઈને આપવા પડશે. – રવિરાજસિંહ રાણા, GPCB, ગોધરા