છોટાઉદેપુરના કવાંટમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની બે વાવણી નિષ્ફળ

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના વિંધ્યાચલ પર્વતમાળાના ડુંગરાળ વિસ્તારમાં આદિવાસી ખેડૂતો માટે આ ચોમાસું ચિંતાજનક બન્યું છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સમતળ જમીનના અભાવે ડુંગરોના ઢોળાવ પર ખેતી કરતા આ ખેડૂતોની બે વખતની વાવણી નિષ્ફળ ગઈ છે, જ્યારે ત્રીજી વખતનું વાવેતર પણ હવે વરસાદની રાહ જોઈ રહ્યું છે.

આ વિસ્તારના આદિવાસી ખેડૂતો પાસે સમતળ ખેતીલાયક જમીન નથી. તેઓ પરંપરાગત રીતે ડુંગરોના ઢોળાવ પર મકાઈ, તુવેર અને અન્ય પાકોનું વાવેતર કરે છે. આ વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. પ્રથમ અને બીજી વખત કરેલું વાવેતર વરસાદના અભાવે નિષ્ફળ જતાં, ખેડૂતોને ફરીથી મોંઘા બિયારણ ખરીદી ત્રીજી વખત વાવેતર કરવાની ફરજ પડી છે.

મોંઘા બિયારણ, ખાતર અને સઘન મહેનત પછી પણ ખેડૂતો હવે માત્ર વરસાદ પર નિર્ભર છે. ડુંગરાળ વિસ્તારમાં સિંચાઈની સુવિધાના અભાવે ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. અનેક ખેડૂતોએ ખેતી માટે બેંકોમાંથી ક્રોપ લોન લીધી છે, જ્યારે કેટલાક લોકોએ વ્યાજે પૈસા ઉછીના લીધા છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ઉભો પાક સુકાઈ જશે અને ખેડૂતો માટે દેવું ચૂકવવું અત્યંત મુશ્કેલ બનશે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો હવે પણ સારો વરસાદ નહીં આવે તો સમગ્ર સિઝનનું વાવેતર નિષ્ફળ જશે અને તેમના પરિવારોના ગુજરાન સામે મોટું સંકટ ઊભું થશે. ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે કુદરતનો સાથ ન મળતા ખેડૂતો સરકાર પાસે સહાય અને વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. હાલ સમગ્ર ડુંગરાળ વિસ્તારના ખેડૂતોની નજર આકાશમાં દેખાતા વરસાદી વાદળો પર ટકેલી છે.

કવાંટ તાલુકાના ડુંગરાળ ખેતરોમાં મહેનત કરનાર આદિવાસી ખેડૂતો આજે વરસાદના એક-એક ટીપાં માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો તેમની મહેનત, પૈસાનું રોકાણ અને આખા વર્ષની આશાઓ પર પાણી ફરી વળશે. હવે જોવાનું એ રહેશે કે કુદરત ખેડૂતો પર મહેરબાન થાય છે કે પછી સરકાર આ સંકટગ્રસ્ત ખેડૂતોને કોઈ રાહત આપે છે.