જાંબુઘોડામાં ૭ વર્ષના બાળક પર દીપડાનો હુમલો : ઘરમાં સૂતેલા બાળકનો પરિવાર જાગતા જીવ બચ્યો

પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકાના નાના વાજપુર ગામમાં મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. ઘરમાં સૂતેલા ૭ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો, પરંતુ પરિવાર જાગી જતાં બાળકનો જીવ બચી ગયો.

આ ઘટના નાના વાજપુર ગામના નિશાળ ફળિયામાં મોડી રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે બની હતી. સંજયભાઈ શનાભાઈ બારીયાનો ૭ વર્ષનો પુત્ર સુમિત તેની દાદી રેવાબેન સાથે ઘરમાં સૂતો હતો, ત્યારે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો.

દીપડાએ સુમિત પર હુમલો કરતા બાળકે બૂમો પાડી. બાળકની ચીસો સાંભળીને દાદી સહિત ઘરના સભ્યો જાગી ગયા અને શોરબકોર મચાવ્યો. પરિવારજનો જાગી જતાં દીપડો બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને ભાગી છૂટ્યો. ઈજાગ્રસ્ત બાળક સુમિતને તાત્કાલિક જાંબુઘોડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો.

જાંબુઘોડા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકને પ્રાથમિક સારવાર આપી. જોકે, દીપડાના હુમલા બાદ જ‚રી રસી ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તબીબોએ બાળકને વધુ સારવાર અને રસીકરણ માટે ગોધરા અથવા વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. જાંબુઘોડા અભયારણ્ય દીપડાઓ માટે જાણીતું છે, તેમ છતાં સ્થાનિક સરકારી હોસ્પિટલ કે વન વિભાગમાં દીપડાના હુમલામાં ઘાયલ થતા લોકોને રસી મળતી નથી. આ કારણે તેમને ગોધરા કે વડોદરા જવાની ફરજ પડે છે.

ઘટનાની જાણ થતાં જ જાંબુઘોડા વન વિભાગની ટીમ સવારે નાના વાજપુર પહોંચી. વન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શ‚ કરી છે. ગ્રામજનોમાં ફેલાયેલા ભયને દૂર કરવા અને હુમલો કરનાર દીપડાને પકડવા માટે વન વિભાગે કાર્યવાહી તેજ કરી છે.