લુણાવાડા તળાવ નજીક બાઈક સ્લીપ ખાતા યુવકને ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

લુણાવાડા તળાવ નજીક બાઈક સ્લીપ થતાં એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડા નજીક રહેતા માધુભાઈ પગી પોતાના સાસરી પક્ષના નવ મુવાડા ગામે બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન લુણાવાડા તળાવ નજીક અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેઓ રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં માધુભાઈ પગીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક લુણાવાડાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

લુણાવાડા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.