ગુરૂ રવિદાસ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત છોડવાણી ગામે કળશ યાત્રા યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છોડવાણી ગામે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રામદેવ પીર સેવા સમિતિ ટ્રસ્ટ, છોડવાણી સ્થિત રામદેવપીર મંદિર ખાતે કળશ વિતરણ કાર્યક્રમ અને કળશ યાત્રાનું આયોજન થયું.

આ કાર્યક્રમમાં માં ગંગાની પવિત્ર માટી કળશમાં લાવવામાં આવી હતી, જેને તુલસીના ક્યારામાં પધરાવવામાં આવી. આ કળશ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય સમરસતાનો સંદેશ ફેલાવવાનો હતો.

આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના જીલ્લા અધ્યક્ષ શંકર ગિરી મહારાજ, તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી રવિશભાઈ ભીલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છત્રસિંહ ભીલ, પૂર્વ તાલુકા સદસ્ય સનિયાભાઈ ભીલ, ગ્રામ પંચાયત સરપંચ વતી સક્રિય કાર્યકર ગિમસિંગભાઈ ભીલ, તેમજ કાર્યકર્તાઓ બુધિયાભાઈ ભીલ, નાનીયાભાઈ ભીલ, મનજીભાઈ ભીલ સહિત સર્વે સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોની હાજરીમાં એક ભવ્ય કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.