ગોધરાની ઈકબાલ શાળામાં CET પરીક્ષા યોજાઈ

ગોધરાની ઘી ઇકબાલ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણીના ભાગ‚પે CET પરીક્ષાનું આયોજન કરાયું હતું. પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ શાળામાં, ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે આ પરીક્ષામાંથી પસંદ કરાયેલા ૪૫ વિદ્યાર્થીઓ એક દિવસ માટે ‘શિક્ષક’ બનશે.

આ પરીક્ષામાં ધોરણ ૭ અને ૮ ના કુલ ૩૬૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરિટના આધારે કુલ ૪૫ વિદ્યાર્થીઓની ‘શિક્ષક’ તરીકે પસંદગી કરાશે, જેમાં ધોરણ ૮ ના ૨૩ અને ધોરણ ૭ ના ૨૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યેનો ડર દૂર કરવામાં મદદ કરવાનો છે. આ પહેલથી વિદ્યાર્થીઓને ભવિષ્યની સરકારી, શિષ્યવૃત્તિ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યારથી જ સજ્જ કરવાનો પ્રયાસ કરાયો છે.

આ પરીક્ષાનું આયોજન સંસ્થાના પ્રમુખ હાજી રફીક અહેમદ આલમ, મંત્રી હાજી યુસુફ ચરખા અને ક્લસ્ટર સી.આર.સી. યુનુસ પોસ્તીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરાયું હતું.

શાળાના આચાર્યએ વાલીઓને અપીલ કરી હતી કે, શાળા કક્ષાએ લેવાતી આવી સ્પર્ધાત્મક અને શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં તેમના બાળકો વધુમાં વધુ ભાગ લે તે માટે તેમને પ્રોત્સાહિત કરે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.