
જાંબુઘોડા અભયારણ્યમાં એક માસ અગાઉ ૧ લાખના ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ થતું હતું. વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા તસ્કરો ભાગી છૂટ્યા હતા. ત્યારે એક માસ બાદ પણ તપાસ ચાલુ હોવાનુ અધિકારીના રટણથી તપાસ અંગે સવાલો.
જાંબુઘોડા અભયારણ્યની નાકોટ રેન્જ હેઠળ આવતી હીરાપુર બીટના ખેરવાળા’ વિસ્તારમાંથી અંદાજે ા.૧ લાખના અત્યંત મૂલ્યવાન ખેરના વૃક્ષોનું મોટી સંખ્યામાં નિકંદન નીકળી જતાં વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
તા.૨૬ જૂનની રાત્રે આરએફઓ વનરાજસિંહ સોલંકીને મળેલી ગુપ્ત બાતમીના આધારે વન ટીમ દરોડો પાડવા પહોંચી હતી. પરંતુ તસ્કરો અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા. ઘટનાસ્થળેથી કપાયેલા લાકડાનો મોટો જથ્થો અને વૃક્ષો કાપવાનું હાઇટેક બેટરી કટર મળી આવ્યું હતું.

સામાન્ય માણસની નજર ન પડે તેવા અત્યંત ઊંડાણવાળા અને ગુપ્ત સ્થળે કરાયેલા પ્લાન્ટેશનની ભાળ ચોરો સુધી કેવી રીતે પહોંચી? તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
અભયારણ્ય જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી ચોરી થઈ છતાં સ્થાનિક બીટગાર્ડ કે વોચમેનને ગંધ સુદ્ધાં ન આવી, જે અંદરના જ કોઈ કર્મચારીની સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે. જ્યારે ફોરેસ્ટ અધિકારી વનરાજસિંહ સોલંકીએ આ અંગેની તપાસ ચાલુ છે હોવાનું જણાવ્યુ હતુ.