કાલોલ મામલતદારે અલાલી પાસે ગેરકાયદે લાકડાનું ટ્રેક્ટર ઝડપ્યું

કાલોલ મામલતદાર વિકાસ પટેલે અલાલી ગામ નજીકથી પંચરાઉ લાકડાનું ગેરકાયદે વહન કરતું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. બુધવારે રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મામલતદાર વિકાસ પટેલ દ્વારા બુધવારે રાત્રે અલાલી નિશાળ પાસેથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર (નંબર: GJ-07- AA-7667)ને રોકવામાં આવ્યું હતું. ટ્રેક્ટર ચાલક લાકડાના વહન અંગે કોઈ કાયદેસરના આધાર-પુરાવા કે પાસ-પરમિટ રજૂ કરી શક્યો ન હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ પંચરાઉ લાકડા એરાલ ગામના રહીશ ભગવાનભાઈ વખતભાઈના માલિકીના સર્વે નંબર માંથી વહીવટી મંજૂરી વગર કાપવામાં આવ્યા હતા. આ લાકડા વેજલપુરના વેપારી ફા‚ક ઘડા દ્વારા ટ્રેક્ટરમાં ભરાવીને બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યા હતા.

પરમિટ ન હોવાથી મામલતદાર વિકાસ પટેલે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેક્ટરને પંચરાઉ લાકડાના જથ્થા સાથે જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી દીધું છે. આ અંગે વન વિભાગ અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે. વેપારી સહિત સંકળાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.