ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાનની બેઠક યોજાઈ

આજરોજ ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે ભાજપ કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ના આયોજનના ભાગ‚પે મળી હતી. હાલોલ વિધાનસભા વિસ્તારના ઘોઘંબા તાલુકાના પ્રભારી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને કાલોલ મતવિસ્તારના ઘોઘંબા તાલુકાના પ્રભારી પરાગભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તાલુકાવાસીઓમાં દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુસર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે વિગતવાર કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઘોઘંબા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, કિસાન મોરચાના જયપાલસિંહ રાઠોડ, છેલુભાઈ રાઠવા, મિત્તલભાઈ પટેલ, ગુણવંતસિંહ ગોહિલ, ભુપેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં સરપંચો, ભાજપના વિવિધ સંગઠનોના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.