
ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોનીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે ગોધરાની દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે એક વિશાળ નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ અને સરકારી યોજના સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પનો શહેર અને આસપાસના ૧૦૦૦ થી વધુ જરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.
સામાન્ય રીતે રાજકીય અગ્રણીઓ જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરતા હોય છે, ત્યારે ઈશાંત સોનીએ સમાજઉપયોગી કાર્યને પ્રાધાન્ય આપ્યું. આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે દર્દીઓનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરી હતી. જેમાં સર્જન, ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, ચામડીના રોગના નિષ્ણાત અને હાડકાના નિષ્ણાત ડોકટરોએ સેવાઓ આપી હતી.
આરોગ્ય તપાસની સાથે, નાગરિકોને સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે મળી રહે તે માટે ખાસ સરકારી યોજના કેમ્પ પણ યોજાયો હતો. આ કેમ્પમાં આધારકાર્ડ (નવા બનાવવા અને સુધારા-વધારા), આયુષ્યમાન ભારત કાર્ડ, આવકનો દાખલો, રેશનકાર્ડમાં નામ દાખલ કે કમી કરવું, વિધવા સહાય, વ્હાલી દીકરી, કુંવરબાઈનું મામેં, ઈ-શ્રમ કાર્ડ અને ઙખ સ્વનિધિ યોજનાના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
એક જ સ્થળે મેડિકલ તપાસ અને સરકારી યોજનાઓની કામગીરી પૂરી થતાં સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૧૦૦૦ થી વધુ લોકોએ આ સેવાનો લાભ મેળવી ઈશાંત સોનીની આ અનોખી પહેલને બિરદાવી હતી.