JCI બાલાસિનોર દ્વારા રૈયોલીમાં જુનિયર જેસી પિકનિક:યુવાનોમાં નેતૃત્વ અને મિત્રતાનો સંદેશ અપાયો

બાલાસિનોરના વિશ્વવિખ્યાત રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે JCI બાલાસિનોર દ્વારા “જુનિયર જેસી પિકનિક 2026″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા સભ્યોમાં નેતૃત્વ, ટીમ સ્પિરિટ, મિત્રતા અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો હતો.

આ કાર્યક્રમમાં ઝોન-8ના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં જુનિયર જેસી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પિકનિક યુવાનોને એકબીજા સાથે જોડાવા અને નવા કૌશલ્યો શીખવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે JFM લલિત બલદાણિયા (2026 ઝોન પ્રેસિડેન્ટ,ઝોન 8,JCI ઇન્ડિયા) ઉપસ્થિત રહ્યા હતા. JC ડૉ. રાકેશ શાહ (ભૂતપૂર્વ ઝોન પ્રેસિડેન્ટ) દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે JFM વિકેન સોની (ઝોન ડિરેક્ટર – જુનિયર જેસી) એ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું.

પ્રોવિઝનલ ઝોન ટ્રેનર JC સોનલ શાહ અને JC નીરવ મજમૂદારે યુવા સભ્યોને ભવિષ્ય ઘડતર માટેની પ્રેરણા આપી હતી. JCI બાલાસિનોરના પ્રમુખ JC અચલ રાવલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ જેસી સભ્યો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવસભર વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ, મનોરંજક રમતો, ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ અને નેટવર્કિંગ સેશન યોજાયા હતા. સહભાગીઓએ કુદરતી વાતાવરણ વચ્ચે ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત લઈ ઐતિહાસિક વારસાની માહિતી મેળવી અને યાદગાર પળો માણી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.