બાલાસિનોરમાં ‘લાલ પાણી’નો ત્રાસ:ચામડી અને કેન્સરના રોગોમાં વધારો, 4 તાલુકાના ગ્રામજનો GPCB કચેરીએ પહોંચ્યા, TSDF સાઇટ બંધ કરવાની માગ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં કેમિકલયુક્ત લાલ પાણીના પ્રદૂષણથી ત્રસ્ત ગ્રામજનોએ હવે રાજ્ય સ્તરે ન્યાયની માગ ઉઠાવી છે. બાલાસિનોર અને આસપાસના ચાર તાલુકાના 50થી વધુ લોકો સોમવારે ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કચેરીએ પહોંચ્યા હતા અને મેસર્સ મૌર્ય એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની TSDF (ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી) સાઇટ તાત્કાલિક બંધ કરવાની રજૂઆત કરી હતી.

કૂવા, તળાવો, ખેતીની જમીનમાં પણ લાલ રંગનું કેમિકલયુક્ત પાણી ગ્રામજનોએ પોતાની રજૂઆત દરમિયાન લાલ રંગનું પ્રદૂષિત પાણી ભરેલી બોટલો સાથે લાવી સ્થિતિની ગંભીરતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કૂવા, તળાવો અને ખેતીની જમીનમાં પણ લાલ રંગનું કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે પીવાના પાણી અને સિંચાઇ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે.

પશુઓનું દૂધ પણ પીવાલાયક રહેતું નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે. પ્રદૂષિત પાણીના કારણે પશુધન પણ રોગગ્રસ્ત બની રહ્યું છે. આવા પાણીના પ્રભાવથી પશુઓનું દૂધ પણ પીવાલાયક રહેતું નથી. સાથે જ ખેતરોમાં કેમિકલયુક્ત પાણી જતાં ઘાસચારો પણ ઝેરી બની રહ્યો છે, જેના કારણે પશુઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે અને પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

ચામડીના રોગો, કેન્સર જેવા ગંભીર રોગોના કેસોમાં વધારો સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં ચામડીના રોગો ઉપરાંત કેન્સર જેવા ગંભીર રોગોના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અગાઉ સ્થાનિક સ્તરે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે ગ્રામજનોએ ગાંધીનગરમાં GPCB સમક્ષ સીધી રજૂઆત કરી છે.

મેસર્સ મૌર્ય એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રા.લિની ડમ્પિંગ સાઇટ બંધ કરવા રજૂઆત ગ્રામજનોએ પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપો વચ્ચે મેસર્સ મૌર્ય એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરવા અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગ ઉઠાવી છે.

લોકોના આરોગ્ય, ખેતી અને પશુધન પર ગંભીર અસર આ મુદ્દે રજૂઆત કરવા આવેલા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક છત્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય, ખેતી અને પશુધન પર ગંભીર અસર પડી રહી છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે.