કાલોલના મલાવ ગામ નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન પોલ તુટતા પરપ્રાંતિય કામદાર ગંભીર ઈજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામ નજીક વીજ લાઈન પર કામગીરી દરમિયાન વીજ પોલ તૂટી પડતા એક પરપ્રાંતીય કામદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત વીજ પોલ તળિયાના ભાગેથી અચાનક ધડાકાભેર તૂટી પડતા સર્જાયો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના વતની જગદીશ પાલ નામના શ્રમિક એક ખાનગી એજન્સી મારફતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ૧૧ કેવી વીજ લાઈન પર કામ કરી રહ્યા હતા. તેઓ જૂના વીજ વાયર બદલવાની કામગીરી માટે વીજ પોલ પર ચઢ્યા હતા.

કામગીરી દરમિયાન અચાનક વીજ પોલ નીચેના ભાગેથી તૂટી પડ્યો હતો. પોલ ધરાશાયી થતાં જ ઉપર કામ કરી રહેલા જગદીશ પાલ પણ નીચે પટકાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.આ અકસ્માતમાં શ્રમિકને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ કામદારને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા છે.

વીજ પોલ તૂટી પડવાની આવી ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ માનવ જિંદગી માટે પણ મોટો ખતરો બની શકે છે. MGVCL ના કાર્યક્ષેત્રમાં આવા જૂના અને જર્જરિત વીજ પોલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થાય છે.