
પાવી જેતપુર તાલુકાના કુકણા અને નાની તેજાવાવ ગામો વચ્ચેના જાહેર રસ્તા પર દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની માગ ઉઠી છે.
ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં, નાની તેજાવાવ ગામના એક વ્યક્તિ કુકણાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમણે રસ્તા પર દીપડાને ફરતો જોયો હતો. તેમણે આ દૃશ્યને પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધું હતું.
છોટા ઉદેપુર જીલ્લામાં દીપડાઓની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે. ઘણીવાર આ દીપડાઓ માનવ વસ્તી તરફ આવી જવાની ઘટનાઓ પણ બને છે. કુકણા અને નાની તેજાવાવ વચ્ચેના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો ફરી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિકોમાં જાનમાલના નુકસાનનો ભય વ્યાપી ગયો છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક દીપડાને પકડીને સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવા માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે.