
બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટને લઈને ઉઠેલી પ્રદૂષણની ફરિયાદોના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ગાંધીનગરના અધિકારીઓએ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી.
અધિકારીઓએ ડમ્પિંગ સાઇટનું નિરીક્ષણ કરવાની સાથે આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. ખાસ કરીને, સ્થાનિકો દ્વારા કૂવામાં લાલાશ પડતું પાણી આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના આધારે અધિકારીઓએ સંબંધિત કૂવાની સ્થળ પર જઈ તપાસ કરી અને પાણીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને કૂવાના પાણીના રંગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગ્રામજનોએ અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી હતી.હવે GPCBના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ અને સંભવિત પાણીના નમૂનાઓના વિશ્લેષણ બાદ જો કોઈ અનિયમિતતા અથવા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્થાનિકોમાં અપેક્ષા જોવા મળી રહી છે.